Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

લોકસાહીનો આધાર મતદાન છે, વધુ મતદાન કરવા કમિશ્નર સંજય પ્રસાદની અપીલ

જુનાગઢમાં મહાનગરપાલિકા ચુંટણી સંદર્ભે યુવાનોને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરાયા

જૂનાગઢ,તા૨૭: આગામી તા. ૨૧ જુલાઈના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જે અન્વયે  યુવાન મતદાર જાગૃતિ અને શિક્ષણ સેમીનાર ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી  અને જિલ્લા વહિવટ તંત્રના ઉપક્રમે યોજાયો હતો.

    આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી રાજય ચૂંટણી આયોગના કમિશ્નર સંજય પ્રસાદે ચૂંટણી અને મતદાન અંગેની  ઝીણવટભરીમાહિતી આપી કહયું કે લોકશાહીનો આધાર મતદાન છે. યુવાઓ વધુંને વધું મતદાન કરે અને મહાનગરપાલિકામાં ગઇ ચુંટણી કરતા વધું મતદાન થાય તે માટે જાગૃત થવા પર તેઓએ ભાર મુકયો હતો.

   રાજય ચૂંટણી આયોગના સચિવ શ્રી મહેશ જોષીએ ભારતીય બંધારણ તથા પાયાની લોકશાહી મજબૂત કરવામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું મહત્વ, તેની સ્થાપના, ભારત અને રાજય ચૂંટણી પંચની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં સમાન સાર્વત્રિક મતદાનનો અધિકાર મળેલ છે. મતદાન એ ગૈારવની બાબત છે.

સેમીનારમાં સ્વેપ પ્રોગ્રામના નોડલ ઓફિસર શ્રી રેખાબા સરવૈયા એ જણાવ્યું હતું કે, મતદાતા પોતાના હક પ્રત્યે જાગૃત હોવો જરૂરી છે. તેમણે સ્વેપ કામગીરીનો આરંભ તથા જૂનાગઢ મનપાના કુલ ૧૫ વોર્ડ,કુલ ૬૦ બેઠકો, મહિલા અનામતની બેઠકો વગેરેની માહિતી આપી હતી. તેમણે મતદાન પૂર્વે યોજાનાર મતદાન જાગૃતિ કાર્યક્રમની માહિતી આપી હતી. જે અંતર્ગત શાળાઓમાં યોજાનાર વકતૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, પ્રાથમિક શાળાઓમાં પ્રતિજ્ઞાવાચન સહિતના કાર્યક્રમની માહિતી આપી હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર ચેતન ત્રિવેદીએ યુવા મતદારોને પોતાનો કિંમતી મત આપવાની અપીલ કરી હતી સાથે જ સોશ્યલ મીડિયાના માધ્યમ દ્રારા અન્યને પણ મતદાન કરવા અપીલ કરવાનું જણાવ્યું હતુ.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના  વાઈસ ચાન્સલેર ડો. પાઠકે મતદાનના  દિવસે અચૂક મત આપવાનું જણાવ્યું હતુ. આ તકે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જવલંત રાવલે કર્યું હતું. આ તકે જિલ્લા કલેકટર ડો.સૈારભ પારઘી, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા, અધિક કલેકટર ડી.કે.બારીઆ,ડેપ્યુટી કમિશનર નંદાણીયા , જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી, મેદરડાના પ્રાંત અધિકારી જિજ્ઞા દલાલ, વિસાવદરના પ્રાંત અધિકારી તુષાર જોષી , પ્રાંત અધિકારી જવલંત રાવલ  સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા કોલેજોના વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(11:35 am IST)