Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ઉના તાલુકામાં ખાનગી શાળાઓના સંચાલકોની મનમાની સામે વાલી મંડળ દ્વારા આંદોલનની ચિમકી

ઉના તા. ૨૭: તાલુકા વાલી મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પ્રાંત અધિકારી મારફત રજુઆત કરવામાં આવેલ. શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે પરંતુ અમુક ખાનગી શાળાઓ પોતાની રીતે મનમાની કરી વાલીઓ અને વિદ્યાર્થીઓનું આ ખાનગી શાળાઓ શોષણ કરી રહી છે. તાલુકાની શાળાઓની તપાસ કરી વિદ્યાર્થીઓના હીતમાં કાર્યવાહી કરવા ની માંગ કરી છે. તમામ ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ કાયદાનો અમલ કરવામા આવે, શાળાઓમાં અગ્નિશામક ના સાધનો છે કે કેમ અને નથી તો તેમની સામે બેદરકારી સબબ કાર્યવાહી કરવામાં આવે, શાળાઓ અમુક દુકાનદાર પાસેથી ડ્રેસ ખરીદવાનો અને શાળાના પસંદ કરેલાજ ટેઇલર પાસે ડ્રેસ સીવડાવવાનો, શાળામાં જ ફરજીયાત ખાનગી ટયુશન અને કોમ્પ્યુટર કોર્ષ રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે. નિયત ફી કરતા કોઇપણ બાના નીચે અલગ-અલગ એકટીવીટી ના નામે ફી વસુલ કરવામાં આવે છે, શાળાઓ સંસ્થાના નામની જ નોટબુક ખરીદવાનો આગ્રહ રાખવામં આવે છે, પાઠયપુસ્તક ઉપરાંત શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ પબ્લીકેશનની સ્વાધ્યાય પોથી, ગાઇડ, સંદર્ભ બુકો ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે, પીવા લાયક પાણીની સમસ્યા અને વ્યવસ્થા નથી, રીશેષ દરમિયાન બાળકને અમુક પ્રકારનો નાસ્તાનો આગ્રહ અને બહાર થી નાસ્તો ન લાવવાનો આગ્રહ, ભાર મુકત ભણતરની જગ્યાએ ભારયુકત ભણતરનો આગ્રહ, ટ્રાન્સપોટીંગમાં સરકારશ્રી ના અને આર.ટી.ઓ.ના નિયમ વિરૂધ્ધ વધુ બાળકોને ભરવામાં આવે છે. અને નિયમોનું પાલન થતું નથી.શાળાઓની બસનું ચેકીંગ કરવામાં આવે. અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ વાલી મંડળ વતી રસીક ચાવડાએ આવેદનપત્રમાં જણાવ્યું છે.

(11:41 am IST)