Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દ્વારકામાં આવતા યાત્રીકોની કારને નિશાન બનાવતા તસ્‍કરો : મંદિર નજીકના પાર્કિંગમાંથી ત્રણ મોટરકારના કાચ તોડીઃ મુદ્દામાલની ચોરી

જામખંભાળિયા,તા. ૨૭ : દ્વારકાના મંદિર નજીકના પાર્કિંગમાંથી ગત સાંજે કોઈ તસ્‍કરોએ બહારગામથી આવેલા યાત્રિકોની મોટરકારના કાચ તોડી, જુદા જુદા ત્રણ બનાવોમાં કિંમતી મુદ્દામાલની ચોરી થયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર હાલ રહેતા અને મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વતની એવા ધર્મેન્‍દ્રકુમાર શામળભાઈ રાવત નામના ૨૯ વર્ષના યુવાને દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી ધર્મેન્‍દ્રફુમાર રાવત તથા તેમના પરિવારજનો દ્વારકામાં દર્શનાર્થે આવ્‍યા હતા. ત્‍યારે ગઈકાલે મંદિર નજીક હાથીગેટ પાસે આવેલા વાહન પાર્કિંગમાં તેમણે પાર્ક કરેલી જી.જે. ૦૯ બી.જે. ૦૨૫૫ નંબરની ક્રેટા મોટરકારની ડાબી બાજુના દરવાજાના કાચ કોઈ શખ્‍સોએ તીક્ષણ હથિયાર વડે તોડી અને આ વાહનમાં રાખવામાં આવેલી ટ્રોલી બેગ, બેગેજ કે જેમાં કોસ્‍મેટિક, જરૂરી કાર્ડ, એક મોબાઈલ ફોન, સોનાની વીંટી, સોનાની બુટી, સ્‍માર્ટ વોચ, સહિતની કિંમતી વસ્‍તુઓ તેમજ કેનન કંપનીનો રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતનો એક કેમેરો મળી કુલ રૂ. ૫૪,૦૦૦ નો મુદ્દામાલ તસ્‍કરો ચોરી કરીને લઈ ગયા હતા.

આ ઉપરાંત આ સ્‍થળેથી સાહેદ શીમ્‍યાબેનની કિયા મોટરકાર નંબર એમ.એચ. ૦૨ એફ.એન. ૨૪૩૪ નંબરની કારમાંથી પણ તસ્‍કરો રોકડ સહિત કુલ રૂપિયા ૪૦,૦૫૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્‍યું હતું. આ સ્‍થળે રહેલા અન્‍ય એક સાહેદ આકાશભાઈની આઈ-૨૦ મોટરકારના પણ કાચ તોડી આ મોટરકારમાંથી પણ સરસામાન તેમજ રોકડ રકમ સહિત રૂ. ૯૮,૦૫૦ નો મુદ્દામાલ ચોરી થયાનું પણ જાહેર થયું છે.

(2:43 pm IST)