Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભચાઉ નજીક હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર બે યુવાનના મોત: અરેરાટી

મૂળ મોરબીના વતની યુવાનો સામખિયાળીથી ભચાઉ આવી રહ્યાં હતા

 

ભચાઉઃ સામખિયાળીથી મોટર સાયકલ પર ભચાઉ આવી રહેલાં દેવીપૂજક પરિવારના બે યુવકોના અજાણ્યા વાહને મારેલી ટક્કરમાં મોત નીપજ્યાં છે. દુર્ઘટના આજે સવારે સાતથી સાડા સાતના અરસામાં ભચાઉના રામદેવપીર ઓવરબ્રીજ પર ઘટી હતી. મરનાર અશ્વિન અશોકભાઈ દેવીપૂજક અને અજય ઊર્ફે નાનુ લીભુભાઈ દેવીપૂજક બેઉ જણ સામખિયાળીથી ભચાઉ આવી રહ્યાં હતા. મૃતક યુવકો મૂળ મોરબીના વતની હતા અને તેમના પરિવારજનો સાથે સામખિયાળીમાં રહી બોલેરોમાં ડુંગળી ભરીને છૂટક વેચાણ કરતાં હતા.

બોલેરો જીપ ભચાઉમાં રીપેરીંગ માટે આપી હોઈ બેઉ જણ ગાડી લેવા માટે સવારે મોટર સાયકલ પર ભચાઉ નીકળ્યાં હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા વાહને અડફેટે લીધાં હતા. જેમાં ગંભીર ઈજાથી ઘટનાસ્થળે અજયનું મોત નીપજ્યું હતું. જ્યારે, અશ્વિનને ભચાઉથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતો હતો ત્યારે રસ્તામાં દમ તોડી દીધો હતો. બેઉ યુવકોની લાશનું પીએમ કરાઈ મોરબી રવાના કરાઈ છે. બનાવ અંગે ભચાઉ પોલીસે અકસ્માત સર્જી નાસી જનારાં અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(10:10 pm IST)