Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પાન-બીડી-તમાકુની વ્યસનીઓ માટે બોધપાઠ રૂપ કિસ્સો

ઝાલાવાડના તાવી ગામના યુવાનોએ પાન મસાલાની રકમ બચાવી ગરીબોને કીટ આપી

લોકડાઉન દરમિયાન ગામમાં પાન-બીડી-તમાકુ સીગરેટ ન મળતા યુવાનોએ સામુહિક વ્યસન છોડવા નિર્ણય લીધો અને બચેલી રકમ ગરીબોનો સદકાર્યમાં વાપરી.: વધુમાં આપી કાળા બજારમાં માવો-બીડી-તમાકું લેવાને બદલે વ્યસનને જ તિબાંજલી આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો

સુરેન્દ્રનગર,તા.૨૭:કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા - વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા - ધુમ્રપાન કરતા લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં ધુમ્રપાન કરતા લોકો મકકમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા કાર્યશીલ બન્યા છે, જેના પરિણામે આજે અનેક લોકો વ્યસનોથી મુકત થયા છે. જયારે કેટલાક લોકો આ મહામારીના સમયમાં તેમના વ્યસનો બંધ થતા તેની બચત રકમમાંથી જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની અન્યોને પ્રેરણા પુરી પાડી રહયા છે.

ઝાલાવાડમાં આવેલા નાનકડા ગામ એવા તાવીના યુવાનોએ આવું  જ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. લોકડાઉનની પરિસ્થિતિમાં પાન-મસાલાની દુકાનો બંધ થતા તાવીના આ યુવાનોનું પાન-મસાલા ખાવાનું પણ બંધ થયું, તેના કારણે તેમની પાસે બચત થયેલી રકમમાં ગામના અન્ય યુવાનોએ તેમની પોતાની રકમ ઉમેરીને રૂપિયા ૫૦ હજારથી વધુની રકમની રાશન કિટ બનાવી ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલા જરૂરીયાતમંદ પરિવારોને પહોંચાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહયા છે.

તાવી ગામની આ યુવા ટીમને તેમના આ સેવાકિય કાર્ય માટે નેતૃત્વ પુરૂ પાડી રહેલા બલવિરસિંહ રાણા જણાવે છે કે, અમારી ટીમના કેટલાક યુવાનો પાન-મસાલા ખાતા હતા. પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં પાનની દુકાનો બંધ થતા પાન-મસાલા મળતા બંધ થયા તેના કારણે ગામના યુવાનોની પાન-મસાલા પાછળ જે રકમ ખર્ચાતી હતી તે રકમની બચત થતા અમે બધાએ ભેગા થઈ આ બચત થયેલ રકમમાં અમારા તરફથી પણ એક ચોક્કસ રકમ ઉમેરીને અમારા ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલા ૧૬ જેટલા દેવીપૂજક પરિવારોને રાશન આપવાનો નિર્ણય કર્યો.

તાવીમાં લોકડાઉન પહેલા બે જ દેવીપૂજક પરિવારો હતા, પરંતુ કોરોનાની મહામારીના કારણે આ જ ગામના અન્ય ૧૪ જેટલા પરિવારો ૨ મહિના પહેલા જ મુંબઈથી અહીં આવી ગયા હતા. તે તમામ પરિવારના કુલ મળી ૮૦ જેટલા વ્યકિતઓ માટે ભરણ-પોષણની મુશ્કેલી હતી. તેવામાં તાજેતરમાં તાવીમા આવેલા દેવીપૂજક પરિવારના બહેનને કોરોના પોઝિટીવ આવતા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી, ત્યાં અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો જેના કારણે આ દેવીપૂજક પરિવારોની આર્થિક સ્થિતી વધુ ખરાબ બની.

તાવીના આ યુવાનોએ પોતાના ગામના આ પરિવારોનું કોઈપણ વ્યકિત ભૂખ્યુ ન સૂવે એ માટે ભેગા મળી ૫ કિલો ઘઉંનો લોટ, ૧ કિલો બટેટા, ૧ કિલો ડુંગળી, દોઢ લીટર તેલ, ૫૦૦ ગ્રામ મરચું, ૨૫૦ ગ્રામ હળદર, ૨૫૦ ગ્રામ જીરુ, ૫૦૦ ગ્રામ ચા અને ૧ કિલો ખાંડની કિટ બનાવી પ્રત્યેક પરિવાર દિઠ ૧-૧ કિટ આપી. એટલું જ નહી, આ દેવીપૂજક પરિવારના બાળકો દૂધ વગરના ન રહે તે માટે સવાર-સાંજ દૂધની એક-એક કોથળી અને છાસ પણ તેઓ આપી રહ્યાં છે.

 બલવીરસિંહ રાણાની આગેવાની નીચે તાવી ગામના યુવાનો સર્વશ્રી ભગીરથસિંહ, પ્રદિપસિંહ, ગીરીરાજસિંહ, ઈન્દ્રજીતસિંહ, હરશ્યામસિંહ, કિશોરસિંહ, સિધ્ધરાજસિંહ, દિલુભા, પવુભા, શકિતસિંહ અને નાગુભા સહિતના ક્ષત્રિય યુવાનોએ તેમના ગામના દેવી પૂજક પરિવારોને કન્ટેન્મેન્ટ ઝોનનો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી વિનામુલ્યે રાશન પહોંચાડવા માટે સ્વયંભૂ સ્વિકારેલી આ જવાબદારી થકી તેમનામાં રહેલી માનવતાને  ઉજાગર કરી છે.

(11:38 am IST)