Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

પૂ,મોરારીબાપુના માર્ગદર્શનથી મહુવા પંથકના 135 ગામોમાં 11 જ્ઞાતિના તમામ પરિવારોમાં અનાજની કીટનું વિતરણ થશે

હાલમાં ૭૦૦૦ કીટ તૈયાર કરવામાં આવી છે અને જરૂર પડે તો તેની સંખ્યા વધારશે.

 

જામનગર :  વર્તમાન સમયમાં સમગ્ર માનવ જાત પર આવી પડેલી વિપત્તિના સમયમાં, જ્યારે વિશ્વની મહાસત્તાઓ પણ ઘૂંટણીએ પડી ગઇ છે ત્યારે,  આવા કપરા કાળમાં ભારત પોતાના સીમીત સંસાધનો વડે મહામારીને હંફાવવા મથી રહ્યું છે. આટલો વિશાળ દેશ એમાં મહદઅંશે સફળતા પ્રાપ્ત કરી શક્યો છે, એનું સહુથી મહત્વનું કારણ આપણી પરમતત્વ તરફની આસ્થા અને આસ્થા પ્રકટાવનાર સંતોની નિરંતર વહેતી કરુણા છે.

 

  તલગાજરડા આવા કોઇ પણ સમયે સમાજને દિશાદર્શન કરાવી, માનવતાની જ્યોત પ્રકટાવે છે. હાલની વિકટ પરિસ્થિતિમાં લોકડાઉનને કારણે સંકટ ભોગવી રહેલા પરિવારોને શ્રી હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે પૂજનીય મોરારી બાપુની સુચના અને માર્ગદર્શનથી મહુવા શહેરમાં અને મહુવા તાલુકાનાં ૧૩૫ ગામોમાં વસતા નીચેની ૧૧ જ્ઞાતિના તમામ પરિવારોમાં અનાજની કીટનું વિતરણ થશે. પૂજ્ય બાપુના આદેશથી અત્યારે માટે ૭૦૦૦ કીટ તૈયાર કરવામાં આવી છે અને જરૂર પડે તો તેની સંખ્યા વધારશે. ૧૧ જ્ઞાતિ- સમાજની યાદી મુજબ છે-
રામાનંદી સાધુ સમાજ, દશનામ સાધુ સમાજ,સમસ્ત બ્રહ્મ સમાજ, દલિત સમાજ, વણકર સમાજ, વાલ્મીકિ સમાજ, દેવીપૂજક સમાજ, ચારણ- ગઢવી સમાજ, વાળંદ સમાજ, બાબર
સમાજ, સાંઈ- ફકીર સમાજ, રાવળ-જોગી સમાજ.

 અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીના આરંભે પૂજ્ય બાપુની આજ્ઞાથી લંડનના સચદેવજીએ પ્રધાનમંત્રી રાહતકોશમાં એક કરોડનું દાન જાહેર કર્યું હતું. તેમ ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં પચ્ચીસ લાખ અર્પણ કરવામાં આવ્યા હતા

(12:29 am IST)