Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કેશોદમાં દુકાનો ખોલવા તથા સમય મર્યાદા અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ જાહેર સ્પષ્ટીકરણ નહીં કરાતા વેપારીઓ દ્વિધામાં

કેટલાય પ્રકારના ધંધાર્થીઓને છુટ આપવામાં આવેલ અંગેના પ્રસિદ્ધ થયેલ સમાચારો બાદ દુકાનો ખીલી પણ..: લગભગ સવા માસ જેવા સમય બાદ ગઇકાલે સવારે કાપડ બજાર સહિતના કેટલાક ધંધાર્થીઓએ પોતાની દુકાનો ખોલી સાફ-સફાઇ કરી રહ્યા હતાં ત્યાંજ પોલીસ દોડી આવી દુકાનો બંધ કરવાની સુચના આપતા એક તબક્કે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ હતો ૭૦ ટકાથી પણ વધુ દુકાનો ખુલી ગયા બાદ પોલીસે દંડો પછાડયો!

કેશોદ, તા. ર૭ : લોકડાઉનના પગલે છેલ્લા પાંચ સપ્તાહથી વેપારીઓ પોતાના કામ-ધંધા બંધ પાળી ઘરે બેસી ગયેલ છે. દરમિયાન સરકારરી દ્વારા કેટલાક ધંધાર્થીઓને છુટછાટ આપી દુકાનો ખોલવાની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ નવાઇની વાત એ છે કે, દુકાનો ખોલવા તથા એ માટેની સમય મર્યાદા અંગે સ્થાનિક સબંધીત તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી એવું કોઇ જાહેર સ્પષ્ટીકરણ નહીં કરાતા વેપારીઓ ભારે દ્વિધામાં મુકાઇ ગયેલ છે.

ગત તા. રર માર્ચ એટલે કે છેલ્લા સવા માસથી લોકો પોતાના કામ-ધંધા બંધ પાળી ઘરે આરામ ફરમાવી રહેલ હતા. કેટલાક પ્રકારના ધંધાર્થીઓને છુટછાટ આપવામાં આવેલ હોવા અંગેના મીડીયામાં પ્રસિદ્ધ થયેલ સમાચારોના પગલે ગઇકાલે રવિવાર હોવા છતાં પણ અત્રેની કાપડ બજાર સહિતના કેટલાય ધંધાર્થીઓએ પોતાની દુકાનો ખોલીસ સાફ-સફાઇ સહિતની કામગીરીમાં વ્યસ્ત બનેલ હતાં.

લગભગ સવા માસ બાદ ઘરની બહાર નિકળી, દુકાનમાં બેસવાનું મળેલ હોઇ વેપારીઓ ભારે ઉત્સુક અને આનંદમાં જણાઇ રહેલ હતા, પરંતુ રે નસીબ.. ! વેપારીઓની આ ખુશી લાંબી ટકી શકી નહીં. કાપડ બજારમાં એકાએક પોલીસની એન્ટ્રી થતાંની સાથે જ વેપારીઓની ખુશી મુંજવણમાં પરિવર્તીત થઇ જવા પામેલ હતી. હજુ કોઇ પ્રકારની છૂટ મળેલ નહીં હોવાનું કહી પોલીસે વેપારીઓની દુકાનો બંધ કરાવેલ હતી.

કાપડ બજાર એસોસીએશનના પ્રમુખ કમલેશભાઇ રાયચડાના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે પાલિકા પ્રમુખ સાવલીયાએ જીલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અંગેનો મેસેજ મારા મોબાઇલમાં નાખી સમય ૮થી ૧ર હોવા અંગે મળેલ પરિપત્ર સંદર્ભે મોબાઇલ દ્વારા થયેલ જરૂરી વાતચીત બાદ કાપડ એસોસીએશનના પ્રમુખના નાતે મે કાપડ બજારના વેપારીઓને આ અંગેના મેસેજ આપેલ હતા, પરંતુ સ્થાનિક કક્ષાએથી સબંધીત તંત્ર દ્વારા વેપારીઓને મળવા પાત્ર જરૂરી ગાઇડ લાઇન અને સુચનાના અભાવે આ પ્રકારની વિંટબણો ઉદ્ભવી રહેલ છે.

દરમિયાન આ અંગે કાપડ બજારના વેપારીઓના જણાવ્યા મુજબ ગઇકાલે સવારે લગભગ કાપડ બજારમાં ૭૦ ટકા કરતા પણ વધારે દુકાનો ખુલી જવા પામેલ હતી. લોકડાઉનના પગલે આ વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ ચાલુ હોવા છતાં ઘણા લાંબા સમય બાદ સવારના એક પછી એક વેપારીઓએ દુકાનો ખોલવાનું શરૂ કરેલ. આ દરમિયાન વેપારીઓને અટકાવેલ નહતા, પરંતુ ૭૦ ટકાથી વધુ દુકાનો ખુલી  ગયાના લગભગ દોઢથી બે કલાક બાદ પોલીસે પોતાનો દંડો પછાડી તાત્કાલીક અસરથી દુકાનો બંધ કરવાનું જણાવતા વેપારીઓમાં દોડધામ સાથે ફફડાટ વ્યાપી જવા પામેલ હતો.

આ અંગે વેપારી આગવાન રાજુભાઇ બોદરે એક યાદીમાં જણાવેલ છે કે, રાજય સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રના અનુસંધાને વેપારીઓએ પોતાના કામ ધંધા રોજગાર ચાલુ કર્યા બાદ થોડા સમય પછી સ્થાનિક પોલીસે આવીને દુકાનો બધ કરાવતા એક તબક્કે અફરાતફરી જેવો માહોલ સર્જાઇ જવા પામેલ આવી સ્થિતિને અટકાવા સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનું સ્થાનિક સબંધકર્તા તંત્રએ વ્યવસ્થિત અર્થઘટન કરી આ અંગે દરેક વેપારીઓ એસોસીએશનને જાણ કરવા અનુરોધ કરેલ છે.

દરમિયાન સ્થાનિક મોબાઇલ વેલ્ફેર એસોસીએશનના પ્રમુખે પણ કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસરને એક આવેદન પાઠવી જણાવેલ છે કે, દુકાન ખોલ્યા બાદ થોડા સમયમાં જ પોલીસ દ્વારા દુકાન બંધ કરાવી દેવામાં આવતા ત્યારે દુકાનો ખોલવા અંગે સરકારશ્રી દ્વારા કરવામા આવેલ જાહેરાત અને બંધ કરવા અંગે મળતી પોલીસ તરફથી સુચનાથી અસંમજશ સર્જાય છે ત્યારે કયા પ્રકારના ધંધાર્થીઓએ કયા સમય દરમિયાન દુકાનો ખોલવી તે અંગેની જાહેરહીત માટે જાહેરાત કરવી જરૂરી હોઇ આ અંગે ગાઇડલાઇન જાહેર કરવા માંગણી કરેલ છે. (૮.૯)

 

 

કેશોદ પોલીસ મર્યાદામાં રહે, વેપારીઓ સાથે ગેરવર્તન ન કરેઃ ચેમ્બર્સ પ્રમુખ મગનભાઇ કોટડીયા

શહેરનાં તમામ વેપારીઓ પ્રતિષ્ઠિત અને ગૌરવરૂપ છે, ક્રીમીનલ ગુન્હેગાર નથીઃ જરૂરી ગાઇડ લાઇનના અભાવે અસંમજસ સર્જાઇ રહેલ છે ત્યારે પોલીસ વેપારીની વાત પહેલા બરાબર સમજે અને બાદમાં સાચી હકિકત સમજાવવાનો પ્રયત્ન કરે

કેશોદ તા. ર૭ :.. કેશોદ શહેર છેલ્લા પાંચ સપ્તાહથી લોકડાઉન ના બંધનમાં બંધાતા શહેરના લગભગ ૬પ થી ૭૦ ટકા લોકોના ધંધા-રોજગાર બંધ રહેતા બેકાર બનેલ છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક પ્રકારના ધંધાર્થીઓને છૂટછાટ આપવા આપવામાં આવેલ હોવાના મિડીયામાં પ્રસિધ્ધ થયેલ સમાચારોના પગલે જાણે કે 'ખારા રણમાં મિઠો ફુટયો હોઇ' તેવી લાગણી વેપારીઓએ અનુભવેલ હતી. પરંતુ ગઇકાલે આ આનંદનો અતિરેક વેપારીઓ માટે લાંબો સમય ટકી શકેલ નહતો કારણે કાપડ બજાર સહિતના વેપારીઓએ દુકાનો ખોલી નાખ્યાના થોડા જ સમયમાં સ્થળ પર પોલીસ આવી 'તમને કોણે છૂટ આપેલ છે.' તેમ કહી દુકાનો બંધ કરાવેલ હતી.

આ અંગે સ્થાનીક ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ મગનભાઇ કોટડીયાએ પ્રતિક્રીયા આપતા જણાવેલ હતું કે, જરૂરી ગાઇડ લાઇનના અભાવે થોડી ગેરસમજ સર્જાતા વેપારીઓ મુંજવણમાં મુકાઇ જવા પામેલ છે.

શ્રી કોટડીયાએ વધુમાં જણાવેલ કે, લગભગ છેલ્લા સવા માસથી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના મર્યાદાને ધ્યાને લઇ શિસ્તબધ્ધ અને સ્વયંભુ રીતે વેપારીઓ લોકડાઉનની અમલવારી કરી સ્થાનીક પોલીસને સંપૂર્ણ  સહકાર આપી રહેલ છે. ત્યારે કેટલાક અસંમજશના કારણે વેપારીઓ દુકાન ખોલી રહ્યા છે. નિયમોને આધીન શાંતિ પૂર્ણ રીતે વેપારીને સાચી હકિકત સમજાવી પોલીસે દુકાનો બંધ કરાવવી જોઇએ. કયારેક નિયત સમય મર્યાદા કરતાં કોઇ જરૂરી કારણોસર વેપારીને દુકાન બંધ કરવાનું માત્ર પાંચ મીનીટ જેવો મોડુ થાય તો પણ આવા વેપારીને પોલીસ મથક સુધી ખેંચી જઇ કાર્યવાહી કરાયેલ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે વેપારીની (સ્થિતી મજબુરી) સમજી આવા તબકકે જરૂરી વ્યવહાર ઉકેલ લાવવો જરૂરી છે. કારણ કે શહેરના તમામ વેપારીઓ પ્રતિષ્ઠિત અને ગૌરવરૂપ છે, કોઇ ક્રિમીનલ ગુન્હેગાર નથી. ત્યારે વેપારી સાથે વહેવારૂ અભિગમ દાખવવો જરૂરી છે. દુકાનો ખોલવા તથા બંધ સંદર્ભે સર્જાયેલ અસંમજસ અંગે જે તે વેપારીને વ્યકિતગત સુચના આપવાના બદલે જેતે વેપાર ધંધાના એસોસીએશન અથવા સંગઠનને આ અંગેની જરૂરી ગાઇડ લાઇન આપી સુચના આપવા જેવો વ્યવહાર માર્ગ આપવી સર્જાતા તનાવ અને ઘર્ષણ જેવી સ્થિતિ ટાળવી જોઇએ.

શ્રી મગનભાઇએ અંતમાં જણાવેલ કે, વેપારીઓ પોલીસને સંપુર્ણ સહકાર આપી રહેલ છે સાથે વેપારીઓ પણ પોલીસ તરફથી સહકારની અપેક્ષા રાખી રહેલ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે જાહેર હીત અને વેપારીઓની પ્રતિષ્ઠાને ધ્યાને લઇ પોલીસ પોતાની મર્યાદામાં રહે અને વેપારીઓ સાથે ગેરવર્તન ન કરે.

(1:07 pm IST)