Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ગોંડલ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોના બિયારણ તથા ખાતર પ્રશ્ને કેન્દ્રમાં રજુઆત

ગોંડલ,તા.૨૭:  માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ કૃષિ રાજય મંત્રી પરસોત્ત્।મભાઇ રૂપાલા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી રજુઆત કરેલ કે અક્ષય તૃતિયા 'અખાત્રીજ' ના શુભ દિવસથી ખેડુતો ખરીફ વાવેતર માટેની પુર્વ તૈયારીઓ શરૂ કરી છે, જેથી ખેડૂતભાઇઓને વાવેતર માટે બિયારણ-ખાતર વગેરેની ખરીદીની હાલ જરૂરિયાત રહેલ છે. ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં મગફળીના વાવેતર વધુ પ્રમાણમાં થશે જેથી બિયારણ ની માંગ પણ વધુ પ્રમાણમાં રહેશે.

સરકાર તરફથી ગત સીઝનમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી નાફેડ દ્વારા કરવામા આવેલ છે અને હાલમાં નાફેડ પાસે મગફળીનો મોટો સ્ટોક રહેલ છે. લોક ડાઉનને કારણે માર્કેટ યાર્ડો પણ બંદ્ય રહેલ હોય ખેડુતોને મગફળીનું બિયારણ મળવું મુશ્કેલ થયું છે. જેથી નાફેડ દ્વારા મગફળીનો જથ્થો પુરતા પ્રમાણમાં છુટો કરવામા આવે તો ખેડૂતોને બિયારણ માટે તથા ઓઈલ મીલરોને સીંગતેલ માટે જરૂરી જથ્થો મળી રહે અને સરકારને પણ સારૂ વળતર મળે તેમ છે, બીજુ કે કપાસના પાકમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ થવાથી કપાસના પાકની ગુણવતાને નુકશાન થયેલ છે. તેમજ લોકડાઉનને કારણે જીનીગ અને સ્પીનીંગ મીલો પણ બંદ્ય હોવાથી કપાસનો નિકાલ થતો નથી જેથી સરકાર તરફથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્વારા કપાસની ગુણવતાના જે માપદંડ નકકી કરવામા આવેલ છે. તેમાં થોડી છુટછાટ આપી અને થોડા ઓછા ભાવથી ખરીદી કરવામા આવે તો કપાસનો નિકાલ થઇ શકે અને ખેડુતોની આર્થિક મુશ્કેલી હળવી થાય. તેમ રજુઆતમાં જણાવાયું છે.

(12:10 pm IST)