Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કોબીજનો કોઈ ખરીદદાર જ નહિ મળતા નિરાશ ખેડૂત પાસેથી પોલીસે કરી ખરીદી !

ગોંડલના પીએસઆઈ ડી.પી. ઝાલાએ માનવતા મહેકાવીઃ સ્વખર્ચે કોબીજનો જથ્થો ખરીદી ખેડૂતના આંસુ લૂછયાઃ કોબીજનો જથ્થાનું ગરીબોમાં વિતરણ કર્યુ

તસ્વીરમાં પી.એસ.આઈ. ડી.પી. ઝાલા અને ખેડૂત કોબીજના જથ્થા સાથે નજરે પડે છે

રાજકોટ, તા. ૨૭ :. કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનની સ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજનિષ્ઠા સાથે માનવતાનું કાર્ય પણ કરી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં ગોંડલના પીએસઆઈએ હરરાજીમાં ન વેચાયેલ ગોંડલના ગોમટા ગામના ખેડૂતનો કોબીજનો જથ્થો ખરીદી ખેડૂતના આંસુ લૂછયા હતા અને આ ખરીદ કરેલ કોબીજનો જથ્થો ગરીબોને વિતરણ કરી દીધો હતો.

   વિગત એવી છે કે ગોંડલ જુના માર્કેટિંગયાર્ડ ખાતે શાકભાજીની હરરાજીમા ગોંડલ તાલુકાના ગોમટા ગામના ૭૦ વર્ષની ઉંમરના ખેડૂત કાંતિલાલ હરિભાઈ ભાલોડિયા હરરાજીમાં કોબીજ વેચવા આવ્યા હતા પરંતુ હરરાજીમા કોબીજ કોઈએ નહીં ખરીદતા તેઓ નિરાશ થઇ ગયા હતા અને આંખમાં આંસુ આવી જતા ત્યાં પોલીસ બંદોબસ્તમાં હાજર ગોંડલ સીટીના પી.એસ.આઈ. ડી.પી.ઝાલા જોઇ જતા તેઓએ આ ખેડૂતનો તમામ કોબીજનો જથ્થો બજાર ભાવે ખરીદી લીધો હતો અને બાદમાં પીએસઆઈ ઝાલાએ ખરીદેલ આ કોબીજનો જથ્થો ગરીબોમાં વિતરણ કરી દીધો હતો.

પી.એસ.આઈ. ડી.પી. ઝાલાએ ખેડૂતનો કોબીજનો જથ્થો ખરીદી લેતા ખેડૂત રાજી-રાજી થઈ ગયા હતા અને આ કોબીજનો જથ્થો ગરીબોમાં વિતરણ કરી દેતા ગરીબોમાં ખુશી વ્યાપી ગઈ હતી. પી.એસ.આઈ. ઝાલાની આ માનવતાભર્યા કાર્યની પોલીસબેડામાં ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે.

(12:06 pm IST)