Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ભર ઉનાળે માવઠાથી કેરી, બાજરી, ડુંગળી સહિતના પાકને નુકશાન

જામકંડોરણા, ગોંડલ, સાવરકુંડલા, કોટડાસાંગાણી, પંથકમાં ગરમીમાં રાહત મળ્યા બાદ સવારથી ઉકળાટઃ જામકંડોરણાના ભાવાભી ખીજડીયાની સીમમાં વીજળીએ ખેત મજૂરનો ભોગ લીધો

પ્રથમ તસ્વીરમાં જામકંડોરણા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી તસ્વીરમાં ગોંડલમાં પડેલ વરસાદ તથા છઠ્ઠી તસ્વીરમાં કાલાવડમાં વહેતા વરસાદી પાણી નજરે પડે છે. (તસ્વીરઃ મનસુખ બાલધા (જામકંડોરણા) ભાવેશ ભોજાણી (ગોંડલ), કમલેશ આશરા (કાલાવડ)

રાજકોટ, તા. ર૭ : ગઇકાલે સાંજના સમયે સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે માવઠું વરસતા કેરી, બાજરી, ડુંગળી, સહિત ઉનાળુ પાકને ભારે નુકશાન થયું છે.

સૌરાષ્ટ્રમાં કાલે તીવ્ર ગરમી વચ્ચે બફારા બાદ વાતાવરણ પલટાયું હતું અને રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ, જિલ્લામાં અમૂક સ્થળે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં અચાનક વરસાદ આવતા કાળઝાળ ઉનાળાની અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત ખાંભા તેમજ બોરાળા, ચકરાવા, બાબરપરા, ખડાધાર, નાનુડી, ભાણીયા, ગીદરડી પીપળવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા કેરીના પાક, ઉનાળુ ખેતીના પાકને નુકશાન થયું છે.

જામકંડોરણા

જામકંડોરણા : જામકંડોરણા પંથકમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા એકાએક કાળા વાદળો છવાયા હતાં અને ગાજવીજ તથા પવન સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણા તાલુકાના જશાપર, બોરીયા, વિમલનગર, સાતોદડ, ગુંદાસરી, જામદાદર, ચરેલ, કાનાવડાળા સહિત ગામોમાં તેમજ જામકંડોરણા શહેરમાં ગાજવીજ તથા પવન ઝાપટા પડયા હતા. જયારે ચરેલમાં રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા હતાં તેવો વધારે વરસાદ પડયો હતો આમ ભરઉનાળે થોડી ક્ષણો માટે અષાઢી માહોલ જોવા મળ્યો હતો.

જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામની સરહદે આવેલા જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામની સીમમાં વિજળી પડતા પરપ્રાંતિય ખેતમજૂરનું મોત થયું હતું. આ મજુરો વરસાદ આવતા ઝાડ નીચે ઉભા હતાં ત્યારે અચાનક વિજળી  પડતા પરપ્રાંતિય ખેતમજુરનું મોત થયું હતું. આ મજૂરો વરસાદ આવતા ઝાડ નીચે ઉભા હતાં ત્યારે અચાનક વિજળી પડતા મધ્યપ્રદેશના ઉકરસિંગ મંગળસિંગ જમરા (ઉ.વ.૩૦)નું વિજળી પડતા મોત થયું. જયારે તેમની સાથે ઉભેલા અન્ય બે મજૂરોને સામાન્ય ઇજાઓ થઇ હતી. મૃતકને પી.એમ. માટે જામકંડોરણા હોસ્પિટલે લાવવામાં આવેલ.

ગોંડલ

ગોંડલઃગોંડલ શહેર પંથકમાં દિવસ દરમિયાન ગરમીનો પારો ઊંચો રહ્યા બાદ સાંજના પાંચ વાગ્યે અચાનક વાતાવરણ પલટાયું હતું કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયા બાદ શહેર તેમજ પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું.ભારે વરસાદી ઝાપટાં ને લઇને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.અને વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જણસીની આવક શરૂ કરવામાં આવી હોય સદ્નસીબે મોટાભાગની જણસી છાપરા ની અંદર જ મૂકવામાં આવી હોય ખેડૂતોની કિંમતી મોલતનો બચાવ થવા પામ્યો હતો. તાલુકાના હડમતાળા, લુણીવાવ, કોલીથડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, ખેડૂતો ના ખેતરોમાં રવિ પાકની ડુંગળી, લસણ, તલ તેમજ મગ સહિતની જણસી ને નુકસાન થવા પામ્યું હતું.

કાલાવડ

કાલાવડ તાલુકાના ખરેડી, ખીજડીયા, ટોડા, ભંગડા, ફગાસ માછરડા, નવાગામ તથા આજુબાજુના ગામોમાં  રોડ ઉપર પાણી હાલતા થયા હતા.  આ કમોસમી વરસાદથી ઉભા પાકને નુકશાન થયેલ હતું.

જૂનાગઢમાં વહેલી સવારે ઝાકળવર્ષા

જૂનાગઢ, તા. ૨૭ :. જૂનાગઢના વાતાવરણમાં વહેલી સવારે પલ્ટો આવતા ઝાકળવર્ષા થઈ હતી.

ગઈકાલે ગોંડલ, ધોરાજીના ગ્રામિણ વિસ્તારમાં પવન સાથે કરા-વરસાદ પડયો હતો. જો કે જૂનાગઢ સહિત સોરઠમા વરસાદી વાતાવરણ થઈ ગયુ હતું.

આજે સવારે જૂનાગઢ વિસ્તારમાં ઝાકળવર્ષા થઈ હતી જેના કારણે માર્ગો ભીના થઈ ગયા હતા.

સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી રહ્યુ હતુ અને વાતાવરણમા ભેજનુ પ્રમાણ ૮૫ ટકા રહેલ. જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૬ કિ.મી.ની નોંધાઈ હતી.

(11:56 am IST)