Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કચ્છના રાજકીય આગેવાનનો ભાઇ છરી દારૂ બોટલ સાથે ઝડપાયો

રાજકીય ગરમાવો સર્જાયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે કરી સ્પષ્ટતા

ભુજ તા. ૨૭ : લોકડાઉન દરમ્યાન કચ્છમાં મહત્વના સ્થળોએ પોલીસ દ્વારા ચેકીંગ કરાઈ રહ્યું છે. દરમ્યાન શનિવારે ભચાઉ, અંજાર સાથે ભુજને જોડતા હાઇવેના ત્રિભેટે શેખપીર ચાર રસ્તા પાસે પોલીસે ચેકીંગ દરમ્યાન એક કારમાંથી પ્રૌઢ શખ્સને દારૂની બોટલ તેમ જ ધારદાર છરી સાથે પકડી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.  

જોકે, પોલીસે જે શખ્સ  ચંદુલાલ શિવદાસ પટેલની કારનું લોકડાઉનમાં શેખપીર ચાર રસ્તા પાસે ચેકીંગ કરી અને જેની પાસેથી ધારદાર છરી અને દારૂની બોટલ મળી એ શખ્સ ચંદુલાલ શિવદાસ પટેલ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલના ભાઈ હોવાનું ખુલ્યા બાદ આ સમાચારે  રાજકીય ગરમાટો અને ચર્ચા સજર્યા હતા.

મીડીયામાં અને સોશ્યલ મીડીયામાં પણ આ સમાચારોએ ચર્ચા સર્જી હતી. જોકે, ભારે ચકચાર અને ચર્ચા બાદ ગઈકાલે રવિવારે સાંજે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ખુલાસો કર્યો હતો કે, તેમના ભાઈ ચંદુલાલ તેમનાથી અલગ રહે છે. તેમ જ કાયદો બધા માટે સમાન છે. પોલીસ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરી રહી છે.

(11:55 am IST)