Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

લોકડાઉન વચ્ચેય કચ્છના ગરીબ દર્દીઓની ચિંતા- નાનકડા ભોજાય ગામે ફ્રી ડાયાલીસીસ સેન્ટર શરૂ કરાયુ

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, સેવાભાવી લીલાધર ગડા (અધા) ૮૦ વર્ષેય જનસેવામાં પ્રવૃતિશીલ

ભુજ,તા.૨૭ : અત્યારે કોરોનાની મહામારી વચ્ચે  કચ્છમાં ગઢશીશાની નજીક આવેલું નાનકડું એવું માંડવી તાલુકાનું ભોજાય ગામ આરોગ્યસેવાની મહેક પ્રગટાવી રહ્યું છે. અહીં કાર્યરત હોસ્પિટલ મધ્યે નિઃશુલ્ક (ફ્રી) ડાયાલીસીસ સેન્ટર શરૂ કરાયું છે. સેવાના ભેખધારી માન. લીલાધર ગડા 'અધા' દ્વારા અત્યારની પરિસ્થિતિ વચ્ચે પણ સેવાની જયોત ચાલુ રાખીને અહીં ૬ ડાયાલીસીસ મશીનની સુવિધા ઉભી કરાઈ છે. આ અંગે 'અકિલા'સાથે વાત કરતા જાણીતા લોક કલાકાર લાલ રાંભિયા (લાલભાઈ)એ જણાવ્યું હતું કે, કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં કિડનીના દર્દીઓનું પ્રમાણ વધુ છે અને વર્તમાન પરિસ્થિતિમાં ડાયાલીસીસ માટે ભુજ, માંડવી જેવા શહેરી વિસ્તારો સુધી જવા વાહનભાડા અને ધક્કાને કારણે દર્દીઓ અને પરિવારજનોની હાલત કફોડી થાય છે. એવા સંજોગોમાં ભોજાય હોસ્પિટલના માધ્યમથી કંઈક કરીએ એવા વિચાર સાથે કચ્છની આરોગ્યસેવા માટે સમર્પિત લીલાધર ગડા 'અધા'  એ અહીં ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ઉભી કરી. અહીં ફ્રી ડાયાલીસીસ ઉપરાંત દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ચા , નાસ્તા,જમવાની સુવિધા પણ તદ્દન ફ્રી છે. અહીંના ડાયાલીસીસ સેન્ટર દ્વારા માંડવી તેમ જ મોટો વ્યાપ ધરાવતા નલિયા, લખપત અને નખત્રાણા એ ચાર તાલુકાઓનાં ગ્રામીણ વિસ્તારના દર્દીઓને ડાયાલીસીસ માટેની સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સેન્ટર વિશે  'અકિલા'ને ટેલિફોનિક માહિતી આપતાં લીલાધર ગડા 'અધા'એ જણાવ્યું હતું કે, તેમની ભોજાય હોસ્પિટલમાં કોવિડ ૧૯ સારવાર માટેના બેડ પણ છે. અહીં સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે સારવાર અર્થે કોવિડ ૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા અપાઈ છે. પણ, તેમને આ વર્તમાન પરિસ્થિતિમાં ડાયાલીસીસ માટે દર્દીઓની મૂંઝવણ ધ્યાને આવી અને ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનું વિચાર્યું. અત્યારે નેગેટિવ માટે ત્રણ, પોઝિટિવ માટે ત્રણ અને એક રિઝર્વ એમ કુલ ૭ મશીન છે. આમ તો ભોજાય ગામે જનરલ સર્જરી માટેની અને આંખ માટેની હોસ્પિટલ કાર્યરત છે. કચ્છના ગ્રામીણ વિસ્તરોની મહિલાઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરના નિદાન, સારવાર તેમ જ જાગૃતિ માટે લીલાધર ગડાનું બહુ જ મહત્વનું યોગદાન છે. ટાઈમ્સ ફાઉન્ડેશનના ફંડ દ્વારા તેમણે ભચાઉમાં પણ આધુનિક હોસ્પિટલ ઉભી કરી આરોગ્ય સેવાનો દીપ પશ્યિમથી પૂર્વ કચ્છ સુધી પ્રજવલ્લિત કર્યો છે. ત્યારે આપ સૌ વાંચકોના નેટવર્ક દ્વારા આ નિઃશુલ્ક ડાયાલીસીસ સેન્ટરની સેવાના સમાચાર કચ્છના કિડનીના દર્દીઓ સુધી પહોંચાડી આપણે સૌ પણ વર્તમાન પરિસ્થિતિ દરમ્યાન સેવાના કાર્યમાં સહભાગી બનીએ.

વધુ પૂછપરછ માટે ફોન નંબર ભોજાય હોસ્પિટલ (૦૨૮૩૪) ૨૭૮૬૮૭, (૦૨૮૩૪) ૨૭૮૬૦૬.

(11:53 am IST)