Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કચ્છના ગાંધીધામ,અંજાર, આદિપુર શહેરની દુકાનો હવે ૩ મે પછી ખુલશે

વહીવટી તંત્ર સાથેની મિટીંગમાં વેપારીઓએ દુકાનો ન ખોલવાનો લીધો નિર્ણય : માત્ર જીવન જરૂરીયાતની દુકાનો જ રહેશે કાર્યરત

પૂર્વ કચ્છના અંજાર – આદિપુર અને ગાંધીધામ સંકુલના વેપારીઓની આજે અંજાર પ્રાંત ઓફિસ ખાતે વહીવટી તંત્ર સાથે મિટીંગ મળી હતી, જેમાં વેપારીઓએ ત્રણ મે સુધી લોકડાઉનમાં સહકાર આપવાની ખાત્રી આપી છે. સાથે દુકાનો ન શરૂ કરવા તંત્રને બાંહેધરી આપી છે. આ સંકુલમાં ત્રણ મે સુધી માત્ર જીવન જરૂરીયાતની દુકાનો કાર્યરત રહેશે. અત્રે નોંધનીય છે કે, કલેકટરે શરતોને આધીન વેપાર ધંધા શરૂ કરવા જાહેરાત કરી છે.
અંજાર પ્રાંત અધિકારી ડો. વિમલ જોશીની આગેવાનીમાં અંજાર ડીવાયએસપી ધનજયસિંહ વાઘેલાની હાજરીમાં અંજાર અને ગાંધીધામના મામલતદાર, ગાંધીધામ એ અને બી ડિવિઝન, આદિપુર અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ જૈન, મંત્રી આશિષ જોશી, અંજાર વેપારી એસો.ના પ્રમુખ શિરીષભાઈ, ગાંધીધામ વેપારી એસો.ના પ્રમુખ રાજુભાઈ ચંદનાણી સહિત સંકુલના વેપારીઓ આ મિટીંગમાં જોડાયા હતા. હાલની સ્થિતિ જોતા પૂર્વ કચ્છમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી ત્યારે આવી તકેદારી રાખવા માટે વેપારીઓ આગળ આવ્યા છે. જો દુકાનો ખુલશે સંક્રમણ વધવાની શકયતાને ધ્યાને રાખી લોકડાઉનમાં ત્રણ મે સુધી વેપારીઓએ સહકાર આપવાની ખાત્રી આપી હતી

(7:05 pm IST)