Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

અમરેલીમાં ખુલેલી દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં રોષ : ટોળે વળી વિરોધ કર્યો

સોશિયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડી ગયા

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર કેટલીક દુકાનો ખુલ્લી રાખવા માટે છૂટછાટ આપવામાં આવી છે.જાહેરનામું બહાર પાડયા ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો હતો.બીજી તરફ અમરેલીના રાજુલામાં મુખ્ય બજાર અને કોમ્પ્લેક્સ વિસ્તારમાં દૂકાનો બંધ રાખવાની રાજ્ય સરકારની ગાઇડલાઇન હોવા છતાં પણ વહેલી સવારથી વેપારીઓએ પોતાની દુકાનો ખોલી નાખી હતી. આ બાબતે તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક વેપારીઓની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જેને લઇને વેપારીઓ હોબાળો કર્યો હતો. વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલીને ટોળે વળ્યા હતા અને વિરોધ પર ઉતરી આવ્યા હતા. વેપારીઓની એક જ માંગ હતી કે, તેઓને દુકાન ખુલ્લી રાખવા દેવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત પરિપત્ર બહાર પાડવામાં આવે.

અમરેલીના રાજુલામાં આવેલી મુખ્ય બજાર અને કોમ્પ્લેક્સ વિસ્તારમાં રાજ્ય સરકારની ગાઇડલાઇન હોવાથી દુકાનો બંધ રાખવાની હતી પરંતુ વહેલી સવારથી જ રાજુલાની મુખ્ય બજાર અને કોમ્પ્લેક્સ વિસ્તારમાં દુકાનો ખોલતાં જ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ વાત ચીફ ઓફિસરને ધ્યાને આવતા તાત્કાલિક ચીફ ઓફિસરની સુચના મુજબ પોલીસ દ્વારા મુખ્ય બજાર અને કોમ્પલેક્ષ વિસ્તારની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીસ ડેરને થતા તેઓ મુખ્ય બજાર પર દોડી આવ્યા હતા. તો બીજી તરફ વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી હતી

વેપારીઓ અને ધારાસભ્ય મુખ્ય બજાર અને કોમ્પ્લેક્સ વિસ્તારની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, યાર્ડના ચેરમેન અને પ્રાંત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી તંત્ર અને પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઈન અનુસાર મુખ્ય બજાર અને કોમ્પલેક્ષ વિસ્તારમાં ખુલ્લી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. અમરેલીમાં વેપારીઓના વિરોધના કારણે સોશિયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડી ગયા હતા. વેપારીઓએ ટોળે વળીને વિરોધ દર્શાવ્યો હતો.

(9:22 pm IST)