Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જો હું ગુજરાતનો મુખ્‍યમંત્રી બનીશ તો ફરી આ ગામમાં આવીશઃ વિજયભાઇ રૂપાણીના પૈત્રુક ગામમાં હાર્દિક પટેલનું નિવેદન

અમદાવાદઃ પાસના કન્‍વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપા‌ણીના પૈત્રુક ગામ ચણાકા ખાતે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં અને સીઅેમ બનવાની ઇચ્‍છા વ્‍યક્ત કરી હતી. સાથે સાથે સભામાં હાજર લોકોને એવું પણ કહ્યું હતું કે, 'જો હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ તો આ ગામમાં ફરી આવીશ.' હાર્દિક ગુરુવારે વિજય રૂપાણીના પૈતૃક ગામ ચણાકામાં પહોંચ્યો હતો.

હાર્દિક પટેલ ગુરુવારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામ ખાતે વઘાસિયા પરિવારના સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યો હતો. ચણાકા ગામ એ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ આ ગામની મુલાકાત લીધી હતી, અને ગામમાં અમુક કામોનું લોકાર્પણ કર્યું હતું. સંમેલનમાં હાજરી આપવા આવી પહોંચેલા હાર્દિકે સંબોધન વખતે કહ્યું હતું કે, 'જો કોઈ ચમત્કાર થાય તો હું નાની ઉંમરે રાજ્યનો મુખ્યમંત્રી બનું. જો હું સીએમ બનીશ તો આ ગામમાં ફરી આવીશ.'

ચણાકા ગામે સંમેલનમાં હાજર રહ્યા બાદ હાર્દિકે ટ્વિટર પર રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કરતા લખ્યું હતું કે, 'આ ગામ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું છે. આ વર્ષે અહીં ખેડૂતોને વીમા પ્રીમિયમ અંતર્ગત દરેક ખેડૂતોને રૂ. 18થી 50 સુધીની સહાય આપીને તેમની મજાક ઉડાવવામાં આવી છે.'

કેન્દ્ર સરકારે પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની 'Y'કક્ષાની સુરક્ષા પરત ખેંચી લીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની ચૂંટણી વખતે તેને આ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. એ વખતે કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે હાર્દિકને જીવનું જોખમ હોવાનું ગણાવી વાય કક્ષાની સુરક્ષા આપી હતી. સુરક્ષા પરત ખેંચવામાં આવ્યા બાદ હાર્દિકે આ અંગે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યુ હતું કે, 'જોઈએ હત્યાનો પ્લાન છે કે પછી ફરી જેલમાં મોકલવાની તૈયારી છે. હું તો કર્મ કરું છું, સારું કે ખરાબ જે હોય તે ફળ મને જ મળે છે.' રિપોર્ટ્સ પ્રમાણે સુરક્ષા કવચ અંગે ફેરવિચારણા દરમિયાન સરકારે હાર્દિક પટેલની સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. હાર્દિકને નવેમ્બર 2017માં સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

(6:16 pm IST)