Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ખંભાળીયામાં લગ્નના એક મહિના બાદ પત્નીને પતિની ખૂનની ધમકી

ખંભાળીયા, તા. ર૭ : હાથીવાડી વિસ્તારમાં રહેતા પરણિતા રવિનાબેન કણમોરીયા ઉ. ર૧ વાળાના લગ્ન થયાના એક માસ બાદ આરોપી પતિ મીતેષ પરષોતમ કણમોરીયાના મોબાઇલમાં કોઇ અજાણી સ્ત્રીનો ફોન આવેલ હોય જે બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપી પતિ મીતેષએ શારીરીક માનસિક દુખત્રાસ આપી ગત ૧ર-૪-૧૮ના રોજ લાકડી વડે માર મારી ફ્રેકચર જેવી ઇજા કરી ઢીકાપાટુનો માર મારી કહેલ કે આ અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ રવિનાબેને પોતાના પતિ વિરૂદ્ધ મહિલા પોલીસમાં નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

લાપતા

ભાડપર ગામે રહેતા પરણિતા મૈયાબેન ગમારા ઉ.ર૬ તથા તેમનો પુત્ર પુનિત ઉ.૧ વાળાને લઇને ભાણવર મુકામે પોતાના મોટા બહેનના ઘરે ગત તા. ર૦-૪-ના રોજ ગયેલ જયાં રાત્રી રોકાણ કરી તા. ર૧ના રોજ ઘરે જાવ છું તેમ કહી નિકળેલ આજ દિવસ સુધી ઘરે ન પહોંચતા તેમના કુટુંબીજન ખોડાભાઇ ખાટરીયાએ પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોત

ખંભાળીયા દ્વારકા રોડ પર અત્રેથી રપ કીમી દૂર સોનારડી ગામના પાટીયા પાસે જઇ રહેલ કિશનસિંહ રતનસિંહ રાવતને એક સફેદ કલરની ફોર વ્હીલ નં. જીજે૦૧-આરબી-૭૧૭૪ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી હડફેટે લેતા કિશનસિંહ રાવતને ગંભીર ઇજા થતા સારવાર માટે ખંભાળીયા ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન કિશનસિંહ રાવત મરણ જતા પોલીસે ફોર વ્હીલ કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સર્જી ફોર વ્હીલ કાર ચાલક નાશી છૂટયો હતો.

(12:43 pm IST)