Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગીર સોમનાથના સોનેરી ગામે વિચિત્ર ઘટનાઃ ૧૧૦ ફુટ ઉંડા કુવામાં દીપડો, ઘોરખોદીયુ અને સાપ એક સાથે પડી જતા રેસ્‍કયુ ઓપરેશન કરી બહાર કાઢયાઃ લોકોમાં ભારે કુતુહલ

ગીર સોમનાથ વેરાવળ પાસે આવેલા સોનારી ગામે એક ખેડૂતના 110 ફૂટ ઉંડા કૂવામાં રાત્રે એક દીપડો ઘોરખોદીયાનો શિકાર કરવા પાછળ દોડતાં દોડતાં કૂવામાં ખાબક્યો હતો. સાથે ઘોરખોદિયું પણ કૂવામાં ખાબક્યું હતું. સવારે ખેતર માલિક આવ્યો ત્યારે તેણે કૂવામાંથી વિચિત્ર અવાજ બહાર આવતો હોવાનું સાંભળ્યું હતું. તપાસ કરતા કૂવામાં દીપડો, ઘોરખોદિયું અને એક સાપ સાથે જોવા મળ્યા હતા. ખેડૂતે જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ રેસ્ક્યૂ કરવાના સાધનો સાથે ખેતર પર આવી પહોંચ્યા હતા.

વન વિભાગે એક પછી એક એમ રેસ્ક્યૂ કરીને દીપડો અને ઘોરખોડિયાને બહાર કાઢ્યા હતા. સૌથી પહેલા દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને પાંજરામાં પૂરીને સારવાર માટે ખસેડ્યો હતો. દીપડા બાદ વન વિભાગે મહામહેનતે ઘોરખોદિયાને બહાર કાઢ્યું હતું. જ્યારે સાપ કૂવામાં જ રહેતો હોવાથી તેને બહાર કાઢવામાં આવ્યો ન હતો.

ઘોરખોદિયાને બહાર કાઢવામાં આવ્યા બાદ તેને ખેતરમાં મુક્ત કરી દેવામાં આવ્યું હતું. જ્યારે દીપડાને સાસણ એનિમલ સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે છેલ્લા 30 દિવસમાં સોમનાથ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પાંચ દીપડા કૂવામાં ખાબક્યાની ઘટના બની છે. જેમાંથી ત્રણ દીપડાને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બે દીપડા મોતને ભેટ્યા હતા.

(7:06 pm IST)