Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વસંતને વધાવતો ઉત્સવ એટલે હોળી-ધુળેટી

ગીતામાં ભગવાને ઋતુનામ કુસુમાકર કહીને વસંત ઋતુને પોતાની વિભુતી ગણાવી છે. વસંત ઋતુનો મુખ્ય ઉત્સવ હોળી. પ્રાચીન સમયથી હોળી ઋતુ પરીવર્તનનો તહેવાર પણ રહયો છે. ફાગણ સુદ પુનમને દિવસે હોલીકોત્સવ મનાવાય છે. આ દિવસે લોકો મુકત મનેે વિહરે છે. હોળીનો ઉત્સવ વસંતને વધાવતો ઉત્સવ ! હોળીના રંગને લઇને આવતો ફાગણીયો આપણને નવજીવનનો સંદેશ આપે છે.

હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા પણ ખુબ જ પ્રસિધ્ધ છે. હિરણ્યકશ્યપુ નામે એક રાક્ષસ હતો તેને બધે જ હિરણ્ય એટલે કે સોનુ જ દેખાય. ભોગ વિલાસ જ એના જીવનમાં મુખ્ય હતો તે પોતાની જાતને જ ઇશ્વર સમજતો તેથી પ્રજા પોતાના સિવાય કોઇ અન્ય ઇશ્વરને પુજે તે તો એ કયાંથી સાંખી લ્યે?

પરંતુ કાદવમાં જેમ કમળ ખીલે તેમ હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદના નામે પરમ વિષ્ણુભકત પુત્ર જન્મ્યો. પ્રહલાદ જયારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદજીના આશ્રમમાં રહી હતી. ત્યાના સંસ્કારોની અસર પ્રહલાદ પર પડી હતી. પ્રહલાદનું અંતઃકરણ ભગવતભકિતથી ભરેલું હતું. રાક્ષસીપિતાએ તેને બદલવાના અને વિષ્ણુ ભકિત કરતો અટકાવવાના અનેક પ્રયાસો કર્યા પણ બાળકને બદલવામાં સમર્થ રહયો નહી છેવટે તેણે પ્રહલાદને મારવાના પ્રયત્નો શરૂ કર્યા. એ અનેક પ્રયત્નોમાંનો એક એટલે તેને જીવતો જ અગ્નિમાં બાળી મુકવો. પ્રહલાદ અગ્નિમાંથી ઉઠીને ભાગી ન જાય તે માટે તેને ફોઇ હોલીકાના ખોળામાં બેસાડયો. હિરણ્યકશ્યપુની બહેન હોલીકાને વરદાન હતુ કે અગ્નિ તેને બાળશે નહી. ભાઇના આગ્રહને વશ થઇને હોલીકા બાળક પ્રહલાદને ખોળામાં લઇને બેઠી પરંતુ પરીણામ કંઇક જુદુજ આવ્યું હોલીકા બળીને ભસ્મ થઇ ગઇ અને વિષ્ણુભકત પ્રહલાદ હસતો હસતો અગ્નિની બહાર આવ્યો. આમ ત્યારથી આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ.

ઠાકોરજીની હવેલીમાં આ દિવસે પુષ્પદોલોત્સવ-ફુલદોલ ઉજવાય છે. અર્જુન અને યાદવો સાથ શ્રી કૃષ્ણ એકવાર રૈવતાચલ  એટલે કે ગીરનારમાં ગયાં. યાદવોએ પ્રભુને રાજી કરવા ફુલનો હિંડોળો બનાવી કૃષ્ણને તેના પર બેસાડી તેમને ઝૂલાવ્યા. ત્યારથી પુષ્પદોલોત્સવ શરૂ થયો.

આજના દિવસે ઠાકોરજીને ફુલના હિંડોળે ઝૂલાવાય છે. વૈષ્ણવો કહે છે. 'ભગવાનને ફુલના હિંડોળે હિંચકતા નીરખીએ તો ફરી જન્મ લેવો ન પડે વૈષ્ણવો પ્રભુને ગુલાલ અડાડી રંગે છે અને પોતે પણ પ્રભુભકિતના રંગે રંગાય છે. ખરેખર તો આ દિવસે ભગવાનના રંગે રંગાવાનું છે તેવો સંદેશ પણ મળી જાય છે.' ટૂંકમાં કહીએ તો હોળીનો ઉત્સવ ફાગણના રંગોથી જીવનને રંગીન બનાવતો અને માનવમનમાં અને સમાજમાં રહેલી અસદવૃતિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. માણસે સમાજમાં ફેલાવેલી અસદવૃતિઓની આ દિવસે હોળી કરવાની છે. જળની ધારા સાથ હોળીની પ્રદક્ષિણા કરતાં કરતાં સંકલ્પ કરવો જોઇએ કે અસદવૃતિઓ બળી જજો અને સદવૃતિઓ અંકુરિત થજો.આ વર્ષે કોરોના વાઇરસને કારણે ધૂળેટીના તહેવારની ઉજવણીથી આપણે સૌએ દૂર રહેવું જોઇએ તેવી અપીલ પણ સરસ્વતી સ્કુલના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી તથા રઘુભાઇ ખીમાણીએ કરી છે.

-: સંકલન :-

પ્રદિપભાઇ ખીમાણી

ભાજપ અગ્રણી -જુનાગઢ

મો. ૯૪ર૬૭ ૧૭૦૦૦

(1:07 pm IST)