Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાવિકો વગર ફૂલડોલ ઉત્સવ ઉજવાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, બેટ દ્વારકા સહિતના તિર્થસ્થાનોમાં ૩ દિવસ પ્રવેશ નિષેધ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૨૬ : આજે તા. ૨૭મીથી ત્રણ દિવસ સુધી દ્વારકાધીશ જગતમંદિરમાં હોળી - ફૂલડોલ ઉત્સવ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. જો કે આ વખતે કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત જ ભાવિકોને પ્રવેશ આપ્યા વિના જ જગતમંદિરમાં ફાગણ માસના આ મહત્વના પર્વોની ઉજવણી કરાશે.

આ વખતે કોરોના મહામારીને લીધે જિલ્લા પ્રશાસન દ્વારા સંક્રમણને ખાળવા તા. ૨૭-૨૮-૨૯ દરમિયાન ભાવિકોને પ્રવેશ દર્શન પ્રતિબંધિત કરતો આદેશ કરાયો હોય આમ છતાં દર વર્ષે પગપાળા યાત્રા કરી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને કચ્છથી ચાલીને આવતા સંઘ યથાવત રહેતા ઉત્સવો પહેલાના દિવસોમાં અને મંદિર થાય તે પહેલા જ પગપાળા યાત્રા પૂર્ણ કરી ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે.

દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા, નાગેશ્વર સહિતના ધાર્મિક સ્થળોમાં આગામી ત્રણ દિવસો સુધી ભાવિકોને પ્રવેશ આપવામાં આવનાર નથી.

આગામી ૨૮મીએ ઉતરાફાલગુન નક્ષત્ર હોવાથી દ્વારકાધીશ મંદિરે બપોરે ફુલડોલ ઉત્સવનું આયોજન કરાયું છે. સાંજે શહેરમાં હોલીકા દહન કરાશે. ફાગણ સુદ ૧૫ તા. ૨૮મી રવિવારના દિવસે દ્વારકાધીશ મંદિરમાં માત્ર વારદાર પુજારી દ્વારા ફુલડોલ ઉત્સવ પરંપરાગત રીતે નિજ સભામંડપમાં બપોરે ૨ થી ૩ વાગ્યા સુધી ધામધૂમથી ઉજવાશે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના હેતુસર ફુલડોલ દરમિયાન ભાવિકો માટે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે ત્યારે ફુલડોલ ઉત્સવના દર્શન દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ પર ઓનલાઇન દર્શનનો લાભ લેવા ભાવિકોને વહીવટદાર દ્વારકાધીશ મંદિર દ્વારકાની યાદીમાં જણાવ્યું છે. મંદિરમાં ફુલડોલ ઉત્સવ દરમિયાન વારદાર પુજારીએ કોવિડ-૧૯ અંગેની સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. દ્વારકાધીશ જગતમંદિર ત્રણ દિવસ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે પરંતુ દ્વારકાધીશની દરરોજની દિવસમાં જુદા-જુદા ભકતો દ્વારા સવારથી બપોર સુધી ત્રણ અને સાંજે બે એમ પાંચ ધ્વજાજી ચડાવવામાં આવે છે.

(11:53 am IST)