Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામનગર : પ્રાચીન કાળેશ્વર મહાદેવ મંદિર પાસે તાંત્રિક વિધી માટે ખોદકામ?

મોટી ભલસાણ ગામની સીમમાં ગેરકાયદે ખનન પ્રક્રિયાથી ભભૂકતો રોષ : બહારવટીયાઓએ વર્ષો પહેલા ધન દાટયું હોવાની શંકાના આધારે કૃત્ય ?

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૬ : જામનગરના મોટી ભલસાણ ગામની સીમમાં ૬ કિલોમીટર દૂર આવેલા પ્રાચીન કાળેશ્વર મહાદેવ મંદિર પાસે કેટલાક શખ્સો દ્વારા મંદિરની પાછળ શંકાસ્પદ ખોદકામ કરવામાં આવ્યું છે. પ્રાથમિક રીતે આ ખોદકામ કોઈ તાંત્રિક દ્વારા કરવામાં આવ્યું હોવાથી સ્થાનિક ધર્મપ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાંથી જૂનાગઢ જવા માટેનું પ્રાચીન ભોંયરૂ પણ આવેલું છે. પરંતુ હાલ તે આગળના ભાગેથી બુરાઈ ગયેલ છે. કાળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ભરત મહારાજનો સંપર્ક કરતા તેમણે જણાવ્યા મુજબ આ અંગે તેઓને ૨૩ માર્ચના મંગળવારે આ ખોદકામ થયા હોવાથી બુધવારે સવારે જાણ થયાનું કહેવામાં આવ્યું છે.

લોકમુખે ચર્ચાઈ રહેલ ચર્ચાઓ મુજબ અહીં વર્ષો પહેલા બહારવટીયા ગામો ભાંગીને અહીં કોઈ ધન દાટયું હોવાની કેટલાંક તાંત્રિકો અને લાલચુ વૃત્તિઓ ધરાવતા લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે.

ત્યારે અહીંથી ગેરકાયદેસર ખનન પ્રક્રિયા થઇ હોય ત્યારે તંત્ર પણ આ અંગે અજાણ હોય તો આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરી આ પ્રકારની કામગીરી અટકાવાઇ તે ઈચ્છનીય છે અને લોકોમાં આ પ્રકારની માંગણી પણ ઉઠી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા)

(11:44 am IST)