Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વૃધ્ધાવસ્થા, બિમારી, ઇનફાઇટથી તુલસીશ્યામ - ખાંભા રેન્જમાં સપ્તાહમાં ૬ સિંહના મોતથી અનેક સવાલો

અમરેલી તા. ૨૭ : અમરેલી જિલ્લાના તુલસીશ્યામ - ખાંભા રેન્જમાં એક સપ્તાહમાં ૬ સિંહ - સિંહણના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે અને અનેક સવાલો ઉભા થયા છે.

તુલસીશ્યામ ખાંભા રેન્જના ભાણિયા રાઉન્ડમાં ગઇકાલે ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલા સિંહને જસાધાર સારવારમાં ખસેડાયો હતો, જ્યાં આ સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક સપ્તાહમાં આ રેન્જમાં જ છ સિંહના મોત થયા છે ત્યારે આ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ગીર પૂર્વના તુલસીશ્યામ ખાંભા રેન્જના ભાણિયા રાઉન્ડના ભાંગલવડ અભ્યારણ્ય વિસ્તારમાંથી ગઇકાલે ૯ થી ૧૨ વર્ષની વયના સિંહ પીઠ પર ઇનફાઇટમાં થયેલી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

આ અંગે જાણ થતા વન વિભાગના સ્ટાફે ગત રાત્રીના આ સિંહને રેસ્કયુ કર્યું હતું અને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો હતો.

એનીમલ કેર સેન્ટર ખાતે ઇજાગ્રસ્ત સિંહની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.  વન તંત્રના જણાવ્યા મુજબ સિંહને અન્ય સિંહ સાથે થયેલી આંતરિક લડાઇના કારણે પીઠ પર ગંભીર ઇજા થઇ હતી અને આ ઇજાના લીધે તેનું મોત થયું હતું.

આ મૃત સિંહનું ડી.સી.એફ. એ.સી.એફ સહિતના અધિકારીઓની હાજરીમાં પી.એમ. કરવામાં આવ્યું હતું.

છેલ્લા એક સપ્તાહમાં તુલસીશ્યામ - ખાંભા રેન્જ વિસ્તારમાં છ જેટલા સિંહ - સિંહણના મોત થયા છે.

વૃધ્ધાવસ્થા, બીમારી અને ઇનફાઇટથી મોત થયાનું કારણ જાહેર કરવામાં આવે છે પરંતુ આ રેન્જમાંથી જ આવી રીતે સિંહોના મોત થયાની બાબત અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

(1:15 pm IST)