Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સ્વતંત્ર ભારતના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઇ અને સાવરકુંડલા સાથેના સંસ્મરણો

૮૨ વર્ષે વડાપ્રધાન પદે કાર્યભાર સંભાળ્યો ત્યારે પત્રકારોના પ્રશ્નના જવાબમાં રમૂજમાં કહેતા 'હું હજુ ૧૯ વર્ષનો છું'

ભારતના સપૂત એવા મોરારજી દેસાઇએ ગુજરાતની ભુમીને ધન્ય કરી છે. ૨૯મી ફેબ્રુઆરી,૧૮૯૬ના દિને જન્મ્યા, આમ જોવા જઇએ તો ચાર વર્ષે એક વાર તેઓનો જન્મ દિવસ આવે ૨૦૨૦ના વર્ષે તેમને- ૧૨૫ વર્ષ થાય છે. ભારતના પનોતાપુત્રની અદભૂત જીવનયાત્રા વિશે જાણવું રસપ્રદ બનશે.

સ્વતંત્ર ભારતના ચોથા વડાપ્રધાન બનેલા શ્રી મોરારજી દેસાઇનો જન્મ વલસાડ જિલ્લાના નાનકડા ગામ ભદેલીમાં ૨૯મી ફેબ્રુઆરી,૧૮૯૬ના રોજ થયો હતો. વયોવૃધ્ધ મોરારજીભાઇ દેસાઇ ૮૨ વર્ષે વડાપ્રધાન પદે આવ્યા ત્યારે પત્રકારના પ્રશ્નના જવાબમાં રમુજમાં કહેતા કે શ્નહું હજું ૧૯ વર્ષનો છું'.

મોરારજીભાઇના પિતાનું નામ રણછોડજી દેસાઇ અને માતા મણિબહેન. પિતા કાઠિયાવાડમાં આવેલા ભાવનગર રાજયના શિક્ષક તરીકે નોકરી કરતા હતા. માતા-પિતાએ વારસામાં એક પુરાણું મકાન અને ચાર વિઘાં જમીન આપી હતી પરંતુ આ મિલકતથી અનેક ઘણા કિમતી એવા સદગુણો-પરમેશ્વરમાં શ્રધ્ધા, કર્તવ્યપાલન, સાદાઇ, સ્વચ્છતા, નિયમિતતા વગેરે મહામૂલ્યો વારસમાં આપ્યા હતા, જે જીવનભર સાથે રહયા.

એમના સાવરકુંડલા સાથેના સંબંધની વાત કરીએ તો હાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલી જે. વી. મોદી હાઇસ્કુલ જે વર્ષો પહેલા કુંડલા હાઈસ્કૂલના નામે જાણીતી હતી ત્યાં શિક્ષણ મેળવ્યું. આ ઈ.સ. ૧૯૨૮માં નિર્માણ પામેલી આ સ્કૂલ આમ તો આઝાદીની લડતની મૂક સાક્ષી પણ કહી શકાય. અને આ એ સમય છે જયારે સાવર અને કુંડલા બંને ગામો એકબીજાથી વિખૂટા હતા. બંને ગામની વચ્ચે અવિરત વહેતી નાવલી નદી. અને પછી બદલતા સમય પ્રવાહ સાથે બેમાંથી એક બનેલું ગામ એટલે સાવરકુંડલા.

આમ સાવરકુંડલા અને વલસાડના ભદેલી ખાતે શિક્ષણ મેળવી વલસાડની આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે માધ્યમિક શિક્ષણ મેળવ્યું.પુત્રના લક્ષણ પારણામાં કહેવતને સાર્થક કરતા પરિવારને તેઓના ઉજજવળ ભવિષ્ય, સત્યનિષ્ઠા અને આદર્શનિષ્ઠા, દેશભકિત જેવા ગુણોના દર્શનની અનુભૂતિ બાળવયથી જ થવા લાગી હતી. ૧૯૦૫માં બંગાળની ચળવળ વખતે મોરારજીભાઇ ૧૦ વર્ષના જ હતા. દેશપ્રેમમાં ચા ન પીવાનો પ્રણ લીધો. લોકમાન્ય ટિળક જયારે પકડાયા અને સજા થઇ ત્યારે શાળામાં હડતાળ પાડી જીવનભર સ્વદેશી રહેવાનો નિર્ધાર કર્યો હતો.

એક દિવસ શાળામાં પરીક્ષા હતી. વર્ગમાં એક શિક્ષકે પોતાના પ્રિય વિદ્યાર્થીને મદદ કરી, મોરારજીભાઇએ ગેરરીતે વિશે આગેવાની લીધી અને વર્ગના બધા વિદ્યાર્થીઓ સાથે શાળા બહાર નિકળી ગયા. શિક્ષકે જયારે પોતાની ભૂલ સ્વીકારી ત્યારે જ તેઓ પાછા શાળામાં આવ્યા. આ હતો બાળ મોરારજીભાઇનો પહેલો સત્યાગ્રહ.

૧૫ વર્ષની વયે એરૂ ગામના જોગીભાઇની સુપુત્રી ગજરાબેન સાથે તેમનું વેવિશાળ થયું. લગ્નના ત્રણ દિવસ અગાઉ માંદગી ભોગવતા તેમના પિતા રણછોડભાઇએ દેહ છોડયો. કુટુંબ આઘાત અને શોકગ્રસ્ત થયું. આ દુઃખમાં વચ્ચે પણ લગ્ન તો ઉકેલે જ છુટકો હતો. બન્ને પરિવારની આજ્ઞાનું પાલન કરતા મન ઉપર પથ્થર મુકી પિતાના મૃત્યુના ત્રીજા દિવસે લગ્ન કરી પોતાની ફરજ પુરી કરી. આ કપરા સમયમાં માતા અને ભાઇ બહેનોને આશ્વાસનની સાથે પ્રેરણા અને હિંમત આપી પોતે વધુ દ્રઢ અને લોખંડી બન્યા. તેમણે કુંટુંબની સઘળી જવાબદારીઓ પોતાના માથે ઉપાડી લીધી. આ સાથે ઉજજવળ કારકિર્દી માટે એકાગ્ર મને શિક્ષણ માટે સજાગ પ્રયત્નો અને પૂર્વ તૈયારીઓ કરી રહ્યા હતા.

પુરુષાર્થી માટે જીવનમાં કશું જ અશકય નથી. મોરારજીભાઇ ઉત્ત્।મ શિક્ષણ મેળવી ઉચ્ચ કક્ષાની સરકારી નોકરી મેળવવા માટે સ્વપ્ન સેવતા હતા. ઉચ્ચ અભ્યાસ માટે તેઓના પિતાના સ્નેહી વસનજી જોષીએ ભાવનગર નરેશને વાત કરી. ભાવનગર રાજય તરફથી માસિક રૂ.૧૦ની છાત્રાવૃત્ત્િ। આપવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યાર બાદ મુંબઇમાં ૧૯૧૨માં વિલ્સન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મુંબઇમાં ગોકુળદાસ તેજપાલ ટ્રસ્ટ હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની બોર્ડિંગમાં રાખી સહાય આપતું. મોરારજીભાઇને પણ તેની હુંફ અને છત્રછાયા મળતા કુંટુંબ ઉપરથી થોડો બોજ ઉપાડી શકયા. કોલેજ જીવનના આરંભથી જ મોરારજીભાઇએ પોતાની જવાબદારીઓ અને ભાવિ કારકિર્દીને અનુરૂપ જીવનઘડતરના કાર્યો ચીવટાઇ અને ઉત્સાહથી અકલમાં મુકયા. મન, બુદ્ઘિ અને શરીરની ત્રિવિધ કેળવણી પર પુરેપૂરું લક્ષ કેન્દ્રિત કર્યું. આ સિવાય મનની તાલીમ માટે ભગવત ગીતાનું અધ્યયન કરતા, ચારિત્ર્ય ઘડતર માટે પ્રેરક સાહિત્યનું વાંચન કરતા. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, મરાઠી, ઉર્દુ ભાષાના સારા જાણકાર હતા. એક પુસ્તકમાં તેઓએ પોતાના ભિન્ન- ભિન્ન વિષયો ઉપર વિચારો સ્પષ્ટ અને મક્કમ રીતે વ્યકત કર્યા છે. મોરારજીભાઇનો અભ્યાસ એટલે આત્મસાત કરેલું જ્ઞાન. મન સાથે શરીરને કસવાનો આગ્રહ પણ ભારે. આહારવિહાર અને વ્યાયામ નિયમિત. આરોગ્યને અનુથકૂળ ખાવુ઼પીવું, વ્યસન અને કુટેવોથી દૂર રહેવું. શરીરને ખડતલ બનાવે તેવી રમતો કસરતો કરવી. યુવાન હોવા છતાં મન એવું કે ખોટા પ્રલોભન અને વ્યર્થ પ્રવૃતિઓમાં પડે જ નહીં. મનોરંજન માટે જરા પણ ઘેલછા નહીં. નાટક કે સિનેમામાં ખાસ રૂચિ નહીં. આ નિયમો જીવનભર સાથે રહ્યા. જેના ફાયદા સરકારી નોકરીમાં અને અન્ય સેવાની પ્રવૃતિઓમાં જીવનભર મળયા.

ઇ.૧૯૧૭માં બી.એની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી વિલ્સન કોલેજમાં જ ફેલો તરીકે નિમણુંક થઇ. તેમણે ઉચ્ચ સરકારી નોકરી માટે અરજી કરી. નોકરીના ઇન્ટરવ્યુમાં તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો-જો નોકરીમાં તમને નિમણૂક કરી પસંદ નહી કરવામાં આવે તો?  મોરારજીભાઇએ ખુબજ સરળતાથી સ્પષ્ટ જવાબ આપ્યો-દુનિયા કયાં નાની છે? હું નિરાશ થવાનું શીખ્યો જ નથી. અને તેમના માટે વિશાળ દુનિયાનો માર્ગ ખુલી ગયો. વર્ષોની મહેનતે રંગ લાવ્યો. ઇ.૧૯૧૮માં અમદાવાદ જિલ્લાના ડેપ્યુટી કલેકટર તરીકે પ્રથમ નિયુકિત થઇ. પરિવાર ઘણે વર્ષે ચિંતા મુકત બન્યું. ભાઇ-બહેનોના જીવન વિકાસનો માર્ગ મોકળો બન્યો. પરિવારને મદદરૂપ બનવાના પ્રણ પુરુ કરતા તેઓને આત્મસંતોષની અનભુતિ થઇ. આપબળથી સિધ્ધિ પ્રાપ્ત કરનાર વ્યકિતઓનો આત્મવિશ્વાસ, જુસ્સો અને આત્માનંદ કંઇક ઓર હોય છે. પરસેવો પાડીને રોટલો પામનારના રોટલામાં જે મીઠાશ અનુભવે છે તેનો આનંદ અવર્ણનીય હોય છે.

 આલેખન : વૈશાલી જે. પરમાર

જિલ્લા માહિતી કચેરી, અમરેલી

(11:38 am IST)