Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

બાબરા તાલુકા પંચાયત રાજુલા નગરપાલિકાની પેટા ચુંટણી જાહેર

૭મી માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરાશેઃ ૨૨ મીએ મતદાન

અમરેલી, તા.૨૭: રાજય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાઓની અને તાલુકા પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાની વિવિધ બેઠકો અને બાબરા તાલુકા પંચાયતની ઉંટવડ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવાનું આયોજન છે. કાર્યક્રમમાં જણાવ્યા અનુસાર આગામી ૨ માર્ચના ચૂંટણીની નોટિસ/ જાહેરનામું તેમજ ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ઘ કરવાની રહેશે. ૭ માર્ચ ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ અને ૯ માર્ચ ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ છે. ૧૧ માર્ચ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ૨૩ માર્ચ ૨૦૨૦ના રવિવારે સવારના ૮ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન અને જો પુનઃ મતદાન યોજવાનું થાય તો ૨૩ માર્ચના રાખવાનું રહેશે. મતગણતરી ૨૪ માર્ચ ૨૦૨૦ ના યોજાશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગેની આદર્શ આચારસંહિતાના અમલ તેમજ અધિકારીઓ/કર્મચારીઓની બદલી તેમજ રજા ઉપર પ્રતિબંધ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે.

લીલીયાના ખારા મોટા કણકોટ ગામે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની ભરતી

અમરેલીઃલીલીયા તાલુકાની ખારા અને મોટા કણકોટ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક કરવામાં આવનાર છે. જેમાં સામાન્ય ઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ વર્ષની ઉંમર તેમજ ધો. ૧૦ પાસની લાયકાત ધરાવતા હોવા જોઇએ પરંતુ આવા ઉમેદવાર ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે. પસંદગી પામનારને નિયમોનુસાર માનદ વેતન ચૂકવવામાં આવશે.

લીલીયા મામલતદાર કચેરી ખાતેથી નિયત ફી ભર્યેથી અરજી ફોર્મ મળી રહેશે. જે અરજીપત્રક તા. ૫-૩-૨૦૨૦ સુધીમાં મામલતદાર કચેરી લીલીયા રજિસ્ટ્રી ટેબલે પહોંચાડવાનું રહેશે. નિયત નમૂનાની અરજી, લાયકાત, વયમર્યાદા તથા સરકાર દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા માટે નિમણૂંક મેળવવા હક્કદાર બની જતા નથી. અરજીપત્રકની સાથે શૈક્ષણિક લાયકાત, રહેઠાણના આધાર માટે રેશનકાર્ડની નકલ, ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ સારા ચરિત્રનું પ્રમાણપત્ર સહિતના દસ્તોવેજો જોડવા જણાવવામાં આવ્યું  છે.

(11:31 am IST)