Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જામનગરના મયુર સાકરીયાની અમરેલીમાં 'ટકો' કરીને ક્રુર હત્યા

રાજકોટમાં રહેતા યુવકને ઢોરમાર મારનારા કોણ ? : પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલી, તા. ર૭ :  મુળ જામનગરના અને ઘણા સમયથી રાજકોટમાં રહેતા મયુર સાકરીયાની અમરેલીમાં કોઇ અજાણ્યા શખ્સોએ ઢોરમાર મારીને ટકો કરીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

અમરેલીમાં ગઇ મધરાત્રે મુળ જામનગર પંથકમાં અને હાલમાં રાજકોટમાં રહેતા ર૭ વર્ષીય યુવક મયુર સાકરીયા અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હતી. કોઇ અકળ કારણોસર હતયારાઓએ આ યુવકનું મુંડન પણ કરી નાખ્યુ હતું અને ઢોર મારમારી ગંભીર રીતે ઘાયલ હાલતમાં જુમ્મા મસ્જીદ સામે ફેંકી દીધો હતો. આ યુવકને અમરેલી સિવિલમાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

યુવકની ઘાતકી હત્યાની આ ઘટના અમરેલીમાં ઠેબી નદીના કાંઠા નજીક જુમ્મા મસ્જીદ સામે મધરાત્રે બે વાગ્યાના સુમારે બની હતી. અહીં કોઇ અજાણ્યો યુવાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડયો હોવાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તાબડતોબ આ ઘાયલ યુવકને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સારવારમાં લવાયા બાદ આ યુવાન પોતે જામનગરનો હોવાનું જણાવ્યું હતું. જો કે માત્ર આટલું બોલ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો. તેની સ્થિતિ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રીફર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

હત્યારાઓએ આ યુવકના શરીર પર બેફામ આડેધડ મારમાર્યો હતો. જેના કારણે આખા શરીર પર ચાંભા પડી ગયા હતા તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે જીવલેણ નિવડી હતી. યુવકને બેરહેમીથી માર મારવા ઉપરાંત તેના માથાના વાળ કાપી નાખી ટકો કરી દેવાયો હતો. આ યુવકને કોઇ અન્ય સ્થળે બેરહેમીથી માર મારી મસ્જીદ સામે નાખી જવાયો હતો.

બનાવને પગલે અમરેલી સીટી પીએસઆઇ મકવાણા રાજકોટ હોસ્પિટલે દોડી ગયા હતા. જયાં મૃતક મયુરના ભાઇ દક્ષીત સાકરીયાએ પોતાના ભાઇની હત્યા કરવા સબબ અજાણ્યા શખસો સામે ફરીયાદ આપી હતી. મુળ જામનગરનો મયુર સાકરીયા હાલમાં રાજકોટ રહેતો હતો અને તે ગઇરાત્રે અમરેલી શા માટે આવ્યો હતો તેની તેના પરિવારને પણ જાણ ન હતી.

(11:31 am IST)