Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

લાંચ કેસમાં પકડાયેલ જામખંભાળીયાના પોલીસ કર્મચારીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ :.. જામખંભાળીયા પો. સ્ટે.ના પોલીસ કર્મચારીને જામખંંભાળીયા સેશન્સ કોર્ટ દ્વારા લાંચ કેસના ગુનામાં એક વર્ષની સજા કરવામાં આવેલ છે.

સને ર૦૦ર માં ફરીયાદીના બનેવી વિરૂધ્ધ જામખંભાળીયા પોલીસ સ્ટેશનમાં અરજી થયેલ હોય જે અરજીની તપાસ જામખંભાળીયા પો. સ્ટે.માં ફરજ બજાવતાં તત્કાલીન અના. પો. હેડ કોન્સ. નીરૂભા પોપટભાઇ જાડેજા દ્વારા કરવામાં આવેલ અને તે અરજી ફાઇલ કરવાની અવેજ પેટે  આરોપીએ ફરીયાદી શ્રી પાસે રૂ. ર,૦૦૦ ની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ. ૧,૦૦૦ આપવાનો વાયદો થયેલ જે વાયદા પૈકી રૂ. ૮૦૦, ફરીયાદીશ્રીએ આરોપીને આપી દીધેલ અને બાકીના રૂ. ર૦૦ બાબતે ફરીયાદી શ્રી પાસે આરોપી અવારનવાર ઉઘરાણી કરતા હોય જેથી આ બાબતે ફરીયાદીશ્રીએ એ. સી. બી.નો સંપર્ક કરી, એ. સી. બી.ના ટ્રેપીંગ અધિકારી મારફતે આરોપી વિરૂધ્ધ છટકૂ ગોઠવતા તે લાંચનું છટકૂ તા. પ-૯-ર૦૦ર ના રોજ સફળ રહેવા પામેલ.

આ કામે આરોપી વિરૂધ્ધ જામનગર એ. સી. બી. પોલીસ સ્ટેશન ગુ. રા. નં. ૬-ર૦૦ર ભ્ર. નિ. અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭, ૧૩ (૧) (ધ) તથા ૧૩ (ર) મુજબ, મુજબનો ગુન્હો તા. ૬-૯-ર૦૦ર ના રોજ દાખલ થયેલ હતો. બાદ આરોપી વિરૂધ્ધની તપાસના અંતે ત.ક.અ. શ્રી દ્વારા સેશન્સ કોર્ટ, જામખંભાળીયામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

આ કેસ સેશન્સ કોર્ટ, જામખંભાળીયામાં ચાલી જતા સરકારી વકીલ એલ. આર. ચાવડાનાઓની દલીલો આધારે એડીશ્નલ સેશન્સ જજ શ્રી (ડી. ડી. બુધ્ધદેવની કોર્ટ) જામખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા નાઓ દ્વારા આરોપીને લાંચ રૂશ્વત નિવારણ ધારા ૧૯૮૮ ની કલમ-૭ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ર,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા લાંચ રૂશ્વત નિવારણ ધારા ૧૯૮૮ ની કલમ ૧૩(૧) (ઘ) તથા ૧૩ (ર) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી-ર વર્ષની સાદી કેદની સજા તથા રૂ. પ,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.

(1:09 pm IST)