Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સૂત્રધાર સમાઘોઘાના પૂર્વ સરપંચના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કચ્છના મુન્દ્રા મધ્યે પોલીસ ચોકીમાં ગઢવી યુવાનોના થયેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં જામીન અરજીનો મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

આ કેસમાં જમીન બાબતના વિવાદ સંદર્ભે જેણે આ કેસમાં સૂત્રધાર તરીકે ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે, એ સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સુનાવણી દરમ્યાન આરોપી દ્વારા પોતાને આ કેસ સાથે લેવા દેવા ન હોવાનું, ભોગ બનનારને પોતે માર્યા ન હોવાનું અને પોતાને કેસમાં ખોટી રીતે ફસાવાયા હોવાની રજૂઆત કરાઈ હતી. સરકાર અને ફરિયાદ પક્ષ દ્વારા અગાઉની આગોતરા જામીન અરજી સંદર્ભે આરોપીએ કરેલ જમીન વિવાદનો ઉલ્લેખ, મામલતદારે રદ્દ કરેલી નોંધ ઉપરાંત કયાંય સરકારી વાહનનો ઉપયોગ ન થવો, ચોપડા ઉપર કોઈ નોંધ ન થવાનો, કોલ ડીટેઇલ, સીસી વીડિયો ફૂટેજ રજૂ કરાયા હતા. બન્ને પક્ષે કરેલી દલીલો સાંભળી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીના જમીન નામંજૂર થયા હતા.

આમ, મુન્દ્રા અને ભુજની કોર્ટ ઉપરાંત હાઈકોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય તંત્રનો અભિગમ કડક રહ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં કચ્છના રાજવી પરિવારના સદસ્યા જયક્રીતિબા જાડેજા ઉપરાંત કે.આર. દવે, રાહુલ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ચર્ચાસ્પદ કિસ્સામાં રાજય સરકારે ભુજની જિલ્લા અદાલત માટે રાજકોટના અનિલભાઈ આર. દેસાઈને ખાસ નિયુકત કર્યા છે.

જયારે હાઇકોર્ટમાં સરકાર પક્ષે મિતેશભાઈ અમીન હાજર રહ્યા છે. તો, સ્થાનિકે કચ્છમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી દેવરાજભાઈ ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.એ. ગઢવી, આર.એસ. ગઢવી, દેવાયત એન. બારોટ, વી.પી. ગઢવી તથા ગઢવી સમાજ ભુજના તમામ ધારાશાસ્ત્રીઓ મદદમાં રહ્યા છે.(

(10:49 am IST)