Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મોરબીમાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તિરંગાને સલામી અપાઇ

ખુલ્લી જીપમાં પોલીસ જવાનો, મહિલા પોલીસ, હોમગાર્ડ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ પટાંગણમાં ૭૩માં જિલ્‍લા કક્ષાનાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે રાષ્‍ટ્રગાન સાથે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપ્યા બાદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય સાથે પરેડ કમાન્ડર વી.બી. જાડેજાની આગેવાની હેઠળ ખુલ્લી જીપમાં પોલીસ જવાનો, મહિલા પોલીસ, હોમગાર્ડ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

 આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આજે આપણા ભારત દેશનો ૭૩મો પ્રજાસત્તાક દિવસ છે. ૧૯૫૦માં આપણા દેશે પોતાનું આગવું બંધારણ સ્‍વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્‍ત કર્યુ.તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્‍ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. સરદાર પટેલે દેશને એક તારે બાંધ્યો હતો અને ડો.આંબેડકરે બંધારણ ઘડી આપણને સ્વશાસન આપ્યું છે. જયારે પ્રજાસત્તાક રાષ્‍ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે એવું હું પ્રાર્થુ છું.
વધુમાં કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યું હતું કે, આપણા દેશની સ્‍વાતંત્ર્ય ચળવળમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી, લોહપુરૂષ સરદાર વલ્‍લભભાઇ પટેલ અને અન્‍ય રાષ્‍ટ્ર નાયકોના નેતૃત્‍વમાં લાખો લોકોએ જોડાઇને અંગ્રેજ સરકારને મકકમ લડત આપી આઝાદી મેળવી છે. ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને નતમસ્‍તકે યાદ કર્યા હતા.
રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની વિગતો આપતાં તેમણે ઉપસ્થિત નગરજનોને આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મોરબી જિલ્લાના નાગરિકોને તેમણે પ્રજાસત્તાક દિનની શુભેચ્‍છાઓ પાઠવી હતી.
સરકારની કોવીડની ગાઇડલાઇન મુજબ યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત હેલ્થકેર વર્કરને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. કરૂણા અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ વનસંરક્ષક ચીરાગ અમીન, અધિક નિવાસ કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, મામલતદાર રૂપાપરા સહિતના અધિકારીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઇ અમૃતિયા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા કોગ્રેસ પ્રમુખ  જ્યતીભાઈ પટેલ , જયંતિભાઇ પડસુંબીયા, જ્યોતિસિંહ જાડેજા સહિત શાળાના છાત્રો, શિક્ષકગણ તથા મોરબીના નાગરિકો કોવીડ પ્રોટોકોલ અનુસાર સિમિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(7:25 pm IST)