Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ગોંડલના બંધીયા ગામે જમીનના ભાગ પ્રશ્ને મારામારીઃ સામસામી પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૨૭: ગોંડલ તાલુકાના બંધીયા ગામે જમીનના ભાગ પ્રશ્ને મારામારી થતા પોલીસમાં સામસામી ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના બંધીયા ગામે રહેતા સોનલબેન કરશનભાઇ રાઠોડ તથા સરલાબેન પોતાની વાડીએ કપાસ વીણતા હતા ત્યારે રેવતીબેન અલ્પેશભાઇ સાવઠીયાએ વાડીમાં આવી કહેલ કે આ જમીનમાં મારો ભાગ છે તેમ કહી ગાળો આપતા સોનલબેને ગાળો આપવાની ના પાડતા રેવતીબેને ઉશ્કેરાઇ જઇ ઢીકા પાટુનો માર મારી બટકા ભરી ઇજા કરી હતી. આ અંગે સોનલબેને રેવતીબેન સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી.

સામા પક્ષે રેવતીબેન અલ્પેશભાઇ સાગઠીયાએ સોનલબેન કરશનભાઇ રાઠોડ, સરલાબેન સંજયભાઇ રાઠોડ તથા સંજય કરશનભાઇ રાઠોડ (રહે. બંધીયા) સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.  ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી પોતાના પુત્રને શોધવા સીમમાં જતા પુત્ર આરોપીની વાડી પાસે બોર વીણતો હોય ઠપકો આપતા ઉકત ત્રણેય આરોપીઓએ પોતાની વાડી બહાર આવી કહેલ કે તું મારી વાડી પાસે કેમ આવેલ છો? તેમ કહી ગાળો આપી ફરીયાદી રેવતીબેનને ઢીકા પાટુનો માર મારી શરીરે બટકા ભરી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે બંન્ને ફરીયાદો અંગે તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)