Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પાટણના હારીજ પાલિકાના પૂર્વ પ્રમુખ મથુરજી ઠાકોર હત્‍યા પ્રકરણઃ આરોપીઓની ધરપકડની ખાત્રી બાદ મૃતદેહ સ્‍વીકારાયો

પાટણ, તા. ૨૬ :. પાટણ જિલ્લાના હારીજ પાલિકાના પૂર્વ પ્રમુખ મથુરજી ઠાકોરની ગઈકાલે બપોરે જુથ અથડામણમાં હત્‍યા થયા બાદ તેમના પરિવારજનોએ જ્‍યાં સુધી આરોપીઓ ન પકડાઈ ત્‍યાં સુધી મૃતદેહ સ્‍વીકારવાનો ઈન્‍કાર કરી દેતા મામલો બીચકયો હતો. દરમિયાન આજે બપોરે પોલીસે બે દિવસમાં આરોપીઓને ઝડપી લેવાની ખાત્રી આપતા મૃતદેહ સ્‍વીકારીને અંતિમવિધિ માટે હારીજ લઈ જવામાં આવ્‍યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે બપોરે પાટણના હારીજ ખાતે જૂની અદાવતમાં ભરવાડ સમાજ અને ઠાકોર સમાજ વચ્‍ચે બઘડાટી બોલી હતી. જેમાં હારીજ પાલિકાના પૂર્વ પ્રમુખ મથુરજી ઠાકોરની હત્‍યા કરવામાં આવી હતી. ત્‍યાર બાદ મામલો ગરમાયો હતો અને ચૂસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો અને ઠાકોર સમાજના હોદેદારો અને કાર્યકરો પાટણ હોસ્‍પીટલે પહોંચી ગયા હતા.

આ બનાવ બાદ ભરવાડ સમાજના આરોપીઓને ઝડપી લેવાની માંગ સાથે મૃતદેહ સંભાળવામાં આવ્‍યો ન હતો. ત્‍યાર બાદ આજે બપોરે પોલીસ અધિકારીઓએ ખાત્રી આપતા મૃતદેહ સંભાળી લેવામાં આવ્‍યો છે અને હત્‍યા પ્રકરણમાં સંડોવાયેલા ૭ ભરવાડ શખ્‍સોને બે દિવસમાં ઝડપી લેવાની પોલીસે ખાત્રી આપી છે.

આ ઘટના બાદ ધારાસભ્‍ય ધારાસભ્‍ય અને ઠાકોર સમાજના અગ્રણી અલ્‍પેશ ઠાકોર પણ હારીજની મુલાકાતે આવનાર હતા પરંતુ તેમનો કાર્યક્રમ રદ થયો હતો.

(4:50 pm IST)