Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જસદણ વેરહાઉસીંગના ગોડાઉનમાંથી ૧.ર૮ કરોડના કપાસની ચોરી

જીનર્સ દલસુખ પટેલ (રે. જસાપર) તથા અમીત વેકરીયા (રે. મોટા દડવા) પૂર્વ યોજીત કાવત્રુ રચી કપાસની ચોરી કરી ગયા : પોલીસ તપાસનો ધમધમાટ

જસદણ તા.ર૬ : જસદણમાં બેંક લોન હેઠળના કપાસની રૂ.૧.ર૮ કરોડની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

બેંક લોન હેઠળના માલની વેરહાઉસીંગ તરીકે સાચવવાનું કામ કરતી કંપની નેશનલ બલ્ક હેન્ડલીંગ કોર્પોરેશનના સૌરાષ્ટ્રના બ્રાન્ચ હેડ વિક્રમભાઇ સાવસીંગભાઇ શેખાવત (ઉ.વ.૩૧) રહે.મોરબી રોડ રાજકોટ દ્વારા જસદણ પોલીસમાં નોંધાવેલી એફઆઇઆરમાં જણાવ્યા મુજબ જસદણમાં ખાનપર રોડ ઉપર સ્વામીનારાયણ મંદિર સામે શંભુભાઇ જેરામભાઇ વઘાસીયાના ગોડાઉનમાં શંકર કપાસ રૂની ર૧૬૦ ગાસડી રાખવામાં આવી હતી. જેના ઉપર એકસીસ બેંક દ્વારા લોન આપવામાં આવી હતી.

વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ જસદણ તાલુકાના જસાપરના શ્યામ કોટેક્ષ જીનીંગના પટેલ દલસુખભાઇ મગનભાઇ ડામસીયા રે.જસાપર તા.જસદણ તથા અમિતભાઇ રમેશભાઇ વેકરીયા (મોટા દડવા તા.ગોંડલ)વાળાએ કાવતરૂ કરી ટ્રક અને મજુરો બોલાવીને તા.ર૪-૧રની મોડીરાત્રે જુદા-જુદા પાંચ ટ્રક તથા મજુરો લઇને ખાનપર રોડ ઉપર ગોડાઉનમાં પહોંચી ગયા હતા અને ગોડાઉન પર કરેલુ લોક અને સીલ તોડી નાંખીને ૬૪૦ નંગ કપાસની ગાંસડી કિંમત રૂપિયા એક કરોડ અઠયાવીસ લાખના કપાસની ગાંસડી ચોરીને લઇ ગયા હતા. તા. ર૩-૧ર-ર૦૧૭ના રોજ કંપનીના સુપરવાઇઝર દ્વારા ગોડાઉનમાં રહેલ કપાસની ગાંસડીના જથ્થાની તપાસ કરીને સ્ટોક મેળવવામાં આવતા ર૧૬૦ ગાંસડી હતી. દરમિયાન કપાસની ગાંસડી ટ્રકમાં ભરાઇ રહી હોવાની કંપનીને જાણ થતાં જ કંપનીએ જસદણ પોલીસને જાણ કરી હતી. ભરાઇ રહેલા ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ કરતા તેમણે આ પ્રકરણના આરોપી તરીકે દલસુખ મગનભાઇ ડામસીયા તથા અમીત રમેશભાઇ વેકરીયાના નામ આપ્યા હતાં. વધુ તપાસ જસદણ પોલીસના પી.આઇ. કે.એન. રામાનુજ ચલાવી રહ્યા છે. આ બનાવને પગલે જસદણ પંથકના જીનીંગ ઉદ્યોગમાં ચર્ચા જાગી છે.

પી.આઇ. કે.ને. રામાનુજની સજાગતાથી કપાસ ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો

જીનીંગ મીલોમાં છાશવારે આગના બનાવો બને છે તે શંકાસ્પદ હોવાની ચર્ચા

જસદણ, તા. ર૬ : જસદણના વેરહાઉસીંગના ગોડાઉનમાંથી ૧.ર૮ કરોડના કપાસની ચોરીના ષડયંત્રોનો જસદણના પી.આઇ. કે.એન. રામાનુજની સજાગતાથી પર્દાફાશ થયો હતો.  જસદણના પી.આઇ. કે.એન. રામાનુજને એક નનામો ફોન આવેલ કે, જસદણ વેરહાઉસીંગના ગોડાઉનમાંથી કપાસ ચોરીનું કૌભાંડ ચાલે છે. આ બાતમી મળતા તૂર્ત જ પી.આઇ. રામાનુજે સ્થળ પર પોલીસને મોકલતા ગોડાઉનમાંથી કપાસની ચોરી થતો પર્દાફાશ થયો હતો. 

પોલીસે ગોડાઉનમાંથી બે ટ્રક ડ્રાઇવરો અને મજુરોને પકડી પૂછતાછ કરતા કપાસ ચોરીના આ મસમોટા  ષડયંત્રનો પર્દાફાશ થયો હતો અને બે જીનર્સોના નામો ખુલ્યા હતા. પોલીસ તપાસમાં વધુ શખસોના નામો ખુલે તેવી વકી છે.

સૌરાષ્ટ્રમાં જીનીંગ મીલોમાં આગના બનાવો બને છે તે પણ શંકાસ્પદ  હોવાની જાણકાર વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.(

(12:22 pm IST)