Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ભાવનગર-અમરેલી અને બોટાદ જીલ્લામાં સાયબર ક્રાઇમ રોકવા વિશેષ સાયબર સેલ રચાયું: નરસિંમ્હા કોમાર

સાયબર ક્રાઇમનો વ્યાપ મહાનગરોના સિમાડા વટાવી મધ્યમ શહેરો સુધી પહોંચી જતા ભાવનગર રેન્જ હેઠળના જીલ્લાઓમાં અપરાધો ઝડપથી શોધી તેને રોકવા માટે મહત્વનું પગલું ભરાયું છે :ત્રણ જીલ્લાને સ્પર્શતા સાયબર સેલમાં ફોરેન્સીક એનાલીસીસ સોફટવેર, ફોરેન્સીક ઇમેજીંગ ડીવાઇસ, ફોરેન્સીક વર્ક સ્ટેશન જેવા સાધનો સાથે એક પીઆઇ, ટેકનીકલ જ્ઞાન ધરાવતા બે પીએસઆઇ, અને પાંચ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ કાર્યરત રહેશે

રાજકોટ, તા., ર૬: રાજયમાં વધતા જતા સાયબર અપરાધનો વ્યાપ હવે મહાનગરોથી મધ્યમ શહેરો સુધી વ્યાપક રીતે વધી ગયો હોવાથી ભાવગનર રેન્જ હેઠળના અમરેલી, બોટાદ અને ભાવનગર  શહેર જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમના અપરાધોની તપાસમાં મદદરૂપ થવા ભાવનગર ખાતે સાયબર અપરાધ સેલનો પ્રારંભ કરવામાં આવ્યાનું ભાવનગરના કાર્યદક્ષ રેન્જ વડા નરસિંમ્હા કોમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.સીબીઆઇનો બહોળો અનુભવ ધરાવતા  ભાવનગર રેન્જના વડા નરસિંમ્હા કોમાર અકિલાની સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે સોશ્યલ મીડીયાના વિવિધ માધ્યમોને કારણે લોકોનું જીવન સરળ થવા સાથે અપરાધીક બનાવોમાં વધારો થતા કાયદામાં સાયબર પોલીસ મથકો માટેની  ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે. નરસિંમ્હા કોમારે જણાવેલ કે સાયબર અપરાધ વિરોધી સેલને કારણે એટીએમ ફ્રોડ, હેકીંગ તથા અન્ય રીતે થતા ઓનલાઇન  અપરાધો શોધવામાં મદદરૂપ થવા સાથે તેને અટકાવવામાં પણ સાયબર ક્રાઇમ સેલ મહત્વનું પુરવાર થશે. સાયબર ક્રાઇમ સેલમાં કોમ્પ્યુટર, હાર્ડવેર, ફોરેન્સીક એનાલીસીસ સોફટવેર, ફોરેન્સીક ઇમેજીંગ ડીવાઇસ અને ફોરેન્સીક વર્ક સ્ટેશન સાધનોની ફાળવણી સાથે એક પોલીસ ઇન્સ્પેકટર, બે પીએસઆઇ અને પાંચ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ રાખવામાં આવી છે.

સદરહું ટેકનીકની જાણકારી માટે ભાવનગર જીલ્લાના એસપી એમ.એમ.સૈયદ, બી.એમ. લશ્કરી વિ.ની દેખરેખ હેઠળ આ વિભાગ કાર્યરત રહેશે. તેઓએ જણાવેલ કે અલંગ જેવા ઔદ્યોગીક વિસ્તાર તથા સાળંગપુર જેવા આસ્થાના પ્રતિક સમા ધર્મસ્થળ ભાવનગર રેન્જ હેઠળના વિસ્તારમાં આવેલ હોય આ વિસ્તારમાં બોટાદના નવ નિયુકત એસપી હર્ષદ મહેતા અને તેની ટીમ સતત કાર્યરત છે. અમરેલી જીલ્લામાં ગુન્હાખોરી પર અંકુશ મુકવા રિવોલ્વર લાયસન્સ પધ્ધતી રિવ્યું કરવા સહિતના પગલાઓ લોકોની સુરક્ષા માટે લઇ લોક કલ્યાણની નીતીને પ્રાથમીકતા આપવામાં આવી રહી છે.

અત્રે યાદ રહે કે નરસિંમ્હા કોમારે આ અગાઉ સુરત રેન્જમાં ફરજ બજાવી દક્ષિણ ગુજરાતના દારૂના સામ્રાજય પર જડબેસલાક બ્રેક પોતાના તત્કાલીન આરઆરસેલ મારફત લગાવી હતી.

(3:35 pm IST)