Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કલ્યાણપુરઃ માતાની '૧૦૮'માં જ પ્રસૂતિ,ટ્વિન્સ 'નન્હી પરી'ઓનું અવતરણ

પિંડારા વાડી વિસ્તારમાં મહિલાને પ્રસુતિનો દુખાવો વધુ ઉપડતા ૧૦૮ ઈમરજન્સીના ઈએમટી હાર્દિક ડવ, પાયલોટ પ્રકાશ ચોપડાની તબીબી સમય સૂચકતાથી ૧૦૮ વાનમાં જ સફળ ડિલેવરી

જામનગર-ખંભાળીયા, તા. ૨૬ :. કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામ નજીક વાડી વિસ્તારમાં મહિલાની પ્રસુતી પિડા વધતા ઈમરજન્સી ૧૦૮માં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવતા મહિલાએ બે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. આમ ૧૦૮ સેવા ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારમાં માતૃ આશિર્વાદ રૂપ બની હતી.

રામ રાખે તેને કોણ ચાખે... જેવી ફળશ્રૃતિનું નિર્માણ કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે જોવા મળ્યું હતું. કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં મહિલાને પ્રસુતિનો દુખાવો થતા પરિજનોએ ૧૦૮ ઈમરજન્સીમાં ફોન ડાયલ કરતા કલ્યાણપુર તાલુકાના રાણ-લીંબડી ૧૦૮ ઈમરજન્સીને કંટ્રોલમાંથી ફોન આવતા ૧૦૮ ઈમરજન્સી વાન સાથે ઈએમટી હાર્દિક ડવ અને પાયલોટ પ્રકાશ ચોપડા પહોંચી જઈ તબીબી ચેકીંગ કરતા મહિલાને પ્રસુતિનો દુખાવો વધુ પડતો હોવાથી ખંભાળીયા કે આસપાસના હોસ્પીટલ સુધી પહોંચે તેવી પરિસ્થિતિ ન હોવાથી સમય સૂચકતાથી મહિલાને ૧૦૮ વાનમાં જ પ્રસુતિ કરાવતા મહિલાએ બે જોડીયા બાળકીઓને જન્મ આપતા સફળ પ્રસુતિ થવા પામી હતી. એક સમયે મહિલાની અસહ્ય પીડા જોતા બહાર ઉભેલા પરિજનો અને આસપાસના લોકો માટે થોડીવાર હૈયા થંભી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું પરંતુ સફળ ડિલેવરી થયેલ હતી. માતાએ સ્વચ્છ તબિયત વચ્ચે બન્ને ટ્વીન્સ બાળકીઓને જન્મ આપતા પરિવારમાં પણ હરખની હેલી છવાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાસ કરીને ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારને તબીબી સારવાર ઝડપભેર મળે તેમજ રોડ-રસ્તા પર થતા અકસ્માત સમયે ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પીલીટી સારવાર મળે માટે ૧૦૮ ઈમરજન્સી સેવાની શરૂઆત કરવામાં આવી હતી. જે ગુજરાતના હજારો લોકો માટે અનેક રીતે આશિર્વાદરૂપ બનવા પામેલ છે. જેમાં વધુ એક ઉમેરો કરતા ૧૦૮ ઈમરજન્સી સેવા ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારમાં ખરા અર્થમાં ઉપયોગી સેવા સાબિત થયેલ છે. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, કિંજલ કારસરીયા-જામનગર, કૌશલ સવજાણી-ખંભાળીયા)

(3:15 pm IST)