Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ભલગામડા માઇનોર કેનાલ-૨માં ગાબડું

ખેડૂતોએ વધુ પાણી લેવા કેનાલ આડી પ્લેટ મુકવાથી આ થયું : અધિકારી

સુરેન્દ્રનગર તા. ૨૬ : લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામથી પસાર થતી ભલગામડા માઈનોર કેનાલ-૨માં ઓવર ટોપીંગને કારણે ગાબડું પડયું. કેનાલના કાંઠે આવેલા ખેતરોમાં હજારો લીટર પાણી ફરી વળતા પાકને નુકસાન થયું હતું. જયારે ઓવર ટોપીંગ એટલે કેનાલ છલકાવાના મુદ્દે ખેડૂતો અને અધિકારીઓ એકબીજા સામે દોષારોપણ કરી રહ્યા છે.ઙ્ગ

લીંબડી તાલુકામાં ચોમાસું પાક નિષ્ફળ જવાથી જગતના તાત રવીપાકની આશા બાંધી મહેનત કરી રહ્યા છે ત્યારે પંથકની કેનાલમાં પડતા ગાબડાઓને કારણે ધરતીપુત્રોમાં રોષની લાગણી ફેલાઇ છે. અંકેવાળીયાના ખેડૂત વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, ભલગામડા માઈનોર કેનાલ-૨માં ઓવર ટોપીંગને કારણે ગાબડું પડયું હતું. જેના કારણે કેનાલની આસપાસ રહેલા ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ અને જીરૂના પાકને વ્યાપક નુકસાન થયું હતું. કેનાલની માટીનું ધોવાણ થતા કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઇ છે. ઓવર ટોપીંગને કારણે પડેલા ગાબડાને લઈને ખેડૂતો અને નર્મદાના અધિકારી એકબીજાની માથે દોષનો ટોપલો ઢોળીયો હતો.ખેડૂતો વધુ પાણી લેવા અધીરા બન્યા છે અને તેના માટે કેનાલ આડે પ્લેટ મુકી દીધી હતી જેના કારણે પાણીનો પ્રવાહ વધ્યો અને ઓવર ટોપીંગ થયું. હવે દોષ અમારા ઉપર નાંખે છે. તેવું એમ.બી.જીવાની, (નાયબ કાર્યપાલક ઈજનેર લીંબડી બ્રાન્ચ)એ જણાવ્યું છે.

(3:13 pm IST)