Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જસદણ-વિંછીયા તાલુકાની પેટા ચુંટણીમાં કોંગ્રેસ પાટીદારને ટીકીટ આપશે કે કોળી સમાજને

આટકોટ, તા., ર૬: જસદણ વિધાનસભાની પેટા ચુંટણી જાહેર થઇ ગઇ છે ત્યારે ભાજપમાંથી ઉમેદવાર તરીકે કુંવરજીભાઇ બાવળીયા જ છે પરંતુ કોંગ્રેસ પક્ષ હજુ ઉમેદવારરની પસંદગી કરી શકી નથી ત્યારે કોંગ્રેસ કોળી સમાજને ટીકીટ આપે છે કે પાટીદારને તે તરફ દરેકની મીટ મંડાઇ છે જો કે મોટાભાગે કોંગ્રેસ કોળી સમાજને જ ટીકીટ આપશે તેવુ હાલના સંજોગોમાં લાગી રહયું છે.

જસદણ-વિંછીયા તાલુકામાં સૌથી વધુ મતદારો કોળી સમાજના છે બીજા નંબર પર પાટીદાર મતો છે જયારે અન્ય સમાજના ભેગા થઇને પાટીદાર મતો કરતા વધુ છે ત્યારે કોળી સમાજમાંથી કે પાટીદાર સમાજમાંથી જેને પણ ટીકીટ મળે તેમણે અન્ય સમાજનાં સહકાર વગર કોંગ્રેસ કે ભાજપનાં ઉમેદવાર જીતી ન શકે તે હકીકત છે.

કોંગ્રેસે અત્યાર સુધી કયારેય પાટીદારને ટીકીટ આપી જ નથી મોટાભાગે કોળી સમાજને જ ટીકીટ આપી છે. અપવાદરૂપ શરૂઆતમાં જયારે જ્ઞાતિવાડી રાજકારણ નહોતુ ત્યારે અન્ય સમાજમાંથી ટીકીટ આપેલી અને ચુંટણી જીતી પણ ગયા હતા. ભાજપે પાટીદારોને ઘણી વખત ટીકીટ આપી છે. પરંતુ એક વખત જ પેટા ચુંટણીમાં ભાજપના ભરત બોઘરાનો વિજય થયો હતો.

આ વખતેકોંગ્રેસ પક્ષમાંથી પાટીદાર આગેવાનોએ પણ ટીકીટની માંગણી કરી છે. જેમાં ધીરૂભાઇ શીંગાળા, જીલ્લા પંચાયતના સભ્ય વિનુભાઇ ધડુક, પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા અને ભાજપમાંથી હજુ હમણાં જ કોંગ્રેસમાં ભળેલા ગજેન્દ્રભાઇ રામાણી મુખ્ય છે. જો કે ગજેન્દ્રભાઇ રામાણીએ જણાવ્યું હતુકે હું કોંગ્રેસમાં કોઇ જ અપેક્ષા વગર જોડાયું છું નથી મે ટીકીટની માંગણી કરી કે નથી મે કોઇ હોદાની માંગણી કરી છે મારૂ નામ તો મારી કુશળતા અને હું લોકોના કામ કરૂ છુ઼ માટે મારૂ નામ ઉમેદવારની યાદીમાં સામેલ થયું છે. મને ટીકીટ કે કોઇપણ પ્રકારનો હોદો કોંગ્રેસ નહી આપે તો પણ હું કોંગ્રેસ સાથે જ રહી ચુંટણીમાં કામ કરીશ.

જો કે અમુક પાટીદાર આગેવાનોની માંગણી છે કે કોંગ્રેસે કયારેય પાટીદાર સમાજને ટીકીટ આપી ન હોય ટીકીટ આપવામાં આવે તો પાટીદાર સમાજ દરેક રીતે કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા પ્રયત્નો કરશે.(૪.૩)

(11:54 am IST)