Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કોંગ્રેસમાં ધમધમાટ : નવનિયુકત હોદ્દેદારોની બેઠક : જસદણની સમિક્ષા

રાજ્ય પ્રભારી રાજીવ સાતવનું આગમન : રાજ્યભરના નવનિયુકત પ્રદેશ હોદ્દેદારો અમદાવાદમાં : જસદણ વિધાનસભાના સંભવીત ઉમેદવારો - મુખ્ય આગેવાનો સાથે પ્રભારી, પ્રદેશ પ્રમુખે વિપક્ષી નેતાનો વિચાર વિમર્શ : સાંજે તમામ લોકસભા બેઠક અંગે ચર્ચા

રાજકોટ તા. ૨૬ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની રચના બાદ રાજ્યના પ્રભારી રાજીવ સાતવનું આજે અમદાવાદ આગમન થયું છે. પ્રદેશ કાર્યાલય ખાતે નવનિયુકત તમામ હોદ્દેદારોની મહત્વની બેઠક મળી હતી. આગામી જસદણ વિધાનસભા પેટાચુંટણી તથા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ધમધમાટ શરૂ કરાયો છે. જસદણ પેટાચુંટણી અંગે સંભવિત ઉમેદવારો તથા મુખ્ય અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ છે. સાંજે તમામ લોકસભા બેઠકના ઇન્ચાર્જ સાથે વિચાર વિમર્શ કરાશે.

પ્રદેશ કોંગ્રેસમાં ધમધમાટ શરૂ થયો છે. રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના સંદેશા સાથે આજે રાજ્ય પ્રભારી રાજીવ સાતવ તથા ચારેય ઝોનના સહપ્રભારીઓએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસની રણનીતિની અમલવારીનો આરંભ કરી દીધો છે.

સવારે ૧૧ કલાકે પ્રદેશ કાર્યાલય રાજીવ ભવન ખાતે તમામ નવનિયુકત પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળી હતી. રાજકોટના નવનિયુકત હોદ્દેદારો ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, મહામંત્રી અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, દેવેન્દ્ર ધામી, ડી.પી.મકવાણા, પ્રમુખ મહેશ રાજપૂત, મંત્રી રાજદિપસિંહ જાડેજા, ડો. ધરમ કાંબલીયા, મનોજ રાઠોડ, મુકેશ ચાવડા, ઉર્વશીબેન પટેલ સહિત રાજ્યભરના નવનિયુકત હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસની બેઠક બાદ કોંગી આગેવાનોએ જસદણના સંભવિત ઉમેદવારો જસદણના મુખ્ય આગેવાનો તથા જિલ્લાના સંગઠન હોદ્દેદારો સાથે પેટાચુંટણી અને સ્થાનીક વાતાવરણ અંગે વિચાર વિમર્શ શરૂ કર્યો છે.

બપોર બાદ પ્રભારી રાજીવ સાતવ નવા વરાયેલા લોકસભા બેઠકના ઇન્ચાર્જ તથા મુખ્ય આગેવાનો સાથે લોકસભા ચુંટણી અંગે ચર્ચા વિચારણા હાથ ધરશે.

રાજ્ય પ્રભારી ત્રણેક દિવસ ગુજરાતના કોંગ્રેસને ફરી ચેતનવંતી બનાવવા વિવિધ બેઠકોમાં કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરશે.

આ ઉપરાંત શહેર - જિલ્લા પ્રમુખો, મહાનગરપાલિકાના વિપક્ષી નેતાઓની વરણી અંગે પણ ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિર્ણય સત્વરે લેવાશે તેમ જાણવા મળે છે.(૨૧.૧૧)

(11:37 am IST)