Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

લાંચ કેસમાં ઉનાની પીજીવીસીએલના પૂર્વ કાર્યપાલક ઇજનેરને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

ઉના તા. ર૬ : ઉનાનાં પીજીવીસીએલ ની કચેરીનાં કાર્યપાલક ઇજનેરને રૂ. પ૦૦૦ ની લાંચ લેવાના ગુનામાં ૩ વરસની સખ્ત કેદ અને રૂ. ૧૦ હજાર દંડની સજા ઉનાની સેશન્સ કોર્ટના જજશ્રીએ ફટકારેલ છે.

ઉનામાં આવેલ પીજીવીસીએલ કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ર૦૦૬ માં ફરજ બજાવતા તત્કાલીન કાર્યપાલક ઇજનેર કિશોરભાઇ દેવકરણ દતા રે. જુનાગઢવાળાએ પીજીવીસીએલ કચેરીનાં ટ્રાન્સફરમર રીપેરીંગ કરવાનો કોન્ટ્રાકટ ધરાવતા ધીરૂભાઇ લાભુભાઇ પટેલ રે. ઉના વાળા પાસે ટ્રાન્સફરમોર રીપેરીંગ ત્થા અન્ય રીપેરીંગનાં બિલો પાસ કરાવવા પ ટકા બીલની રકમની લાંચ માંગી હતી. સમક્ષ કરી હતી. અને આ લાંચની રકમ તેમને એકલા દેવા આવવાનું અને સાથે કોઇને રાખવા નહીં. ધીરૂભાઇને વારંવાર લાંચની રકમ માંગી હેરાન પરેશાન કરતા હોય ધીરૂભાઇ કંટાળી અને જુનાગઢ ખાતે આવેલ લાંચ રૂશ્વત વિરોધી શાખાનાં પો. ઇ. કે. ટી. માંજરીયાને ફરીયાદ કરતાં ગત તા. ૧૭-ર-ર૦૦૬ નાં રોજ પંચ સાથે રાખી છટકુ ગોઠવેલ અને ધીરૂભાઇએ ખીસ્સામાં વોઇસ રેકોર્ડ મશીન રાખેલ જેનો અવાજ બહાર બેઠેલ અધિકારી સંભાળી શકેતેવી ગોઠવણ કરી ધીરૂભાઇ કવરમાં રૂ. પ૦૦૦ રોકડા મુકી કાર્યપાલક ઇજનેરની ઓફીસની ચેમ્બરમાં જઇ વાતચીત કરેલ તે પંચ  ત્થા એ. સી. બી. અધિકારી  સાંભળતા હતા અને જેવુ કવર રોકડા રૂપિયા ભરેલ કાર્યપાલક ઇજનેર કિશોરભાઇ દેવકરણ દતાએ લીધુ તુરંત અધિકારી, પંચ ઓફીસમાં ઘુસી રંગે હાથ પકડી લીધા હતા અને તેની સામે લાંચ લેવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પીજીવીસીએલ નાં ઉચ્ચ અધિકારીએ તેને સસ્પેન્ડ કરી દીધા હતાં. આ ગુના તપાસ અને ચાર્જ સીટ એ. સી. બી. બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ભુતીયાએ કરી હતી.

આ કેસ ઉનાની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલેલ હતો. કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલ એ. કોર્ટમાં ફરીયાદીની જૂબાની, છટકા વખતે હાજર રહેલ પંચ, છટકુ ગોઠવનાર અધિકારી, તપાસનીશ અધિકારી જુબાની વોઇસ રેકર્ડ ટેપ કરેલ વાતચીત, એફ. એસ. એલ. રીપોર્ટ રજૂ કરી લાંચ લેવાનો ગુનો સાબીત થતો હોવાના તમામ પુરાવા રજૂ કરી આકરા માં આકરી સજા કરવા રજૂઆત કરી હતી.

ઉનાની એડીશનલ સેશન્સ કોર્ટનાં જજશ્રી ડી. એસ. ત્રિવેદીએ તમામ પુરાવા, જુબાની નજરમાં રાખી લાંચ લેવાનો ગુનો સાબિત થતો હોય આજરોજ ખુલ્લી કોર્ટમાં ઉના ની પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક તત્કાલીન ઇજનેર કિશોરભાઇ દેવકરણ દતા રે. જુનાગઢ વાળાને લાંચ રૂશ્વત અધિનીયમન કલમ ૧૩ (ર) નાં ગુના સબબ ૩ વરસની સખ્ત કેદની સજા તથા રૂ. પ૦૦૦ દંડ ત્થા લાંચ રૂશ્વત અધિનીયમ ૭ નાં ગુનામાં ૧ વરસની સખ્ત કેદ રૂ. પ૦૦૦ દંડ સજા કરી હતી.

તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે કુલ રૂ. ૧૦ હજાર દંડ ભરવા હુકમ કરેલ હતો કેસ ચાલ્યો તે દરમ્યાન કાર્યપાલક ઇજનેર હતાં.

જામીન ઉપર છૂટેલ હોય તેથી તેમને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો આમ એક પ્રતિષ્ઠા ભર્યુ પદ સંભાળનાર કાર્યપાલક પીજીવીસીએલ ના તત્કાલીન ઇજનેરને લાંચનાં ગુનામાં સજા કરી નોંધ પાત્ર ચૂકાદો આપતાં લાંચીયા અધિકારીઓ - કર્મચારીઓમાં ફફડાટ  ફેલાઇ ગયો છે.

(11:23 am IST)