Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

લેહ-લડાખ મહાબોધિ રેસિડન્સી સ્કુલની મુલાકાતે દ્રોણેશ્વર શાળાના પ્રિન્સીપાલ મહેશભાઇ જોષી

બાળકો દ્વારા નૃત્ય અને સંગીત કાર્યક્રમ રજુ કરાયો

ઉના તા.૨૬. : તાજેતરમાં નરેન્દ્રભાઇ મોદી અને અમીતભાઇ શાહની સરકારે કાશ્મીર અંગેની બંધારણની ૩૭૦મી કલમ રદ કરી અને લેહ-લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કર્યો છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP સંચાલિત દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલના પ્રિન્સીપાલ શ્રી મહેશભાઇ જોષી, તેમના ધર્મપત્ની શ્રી પલ્લવીબેન જોષી તથા ઘનશ્યામભાઇ ઠુમ્મર અને કૈલાસબેન ઠુમ્મર, લેહ પ્રદેશની મુલાકાતે જતા મહાબોધી ઇન્ટરનેશનલ સ્કૂલ- લેહના સંસ્થાપક અને સંચાલક બૌદ્ધ ભીક્ષુ સંઘસેનાજીએ મહેમાનોનુ ભાવ ભર્યું સ્વાગત કર્યુ હતુ.

     મહાબોધી ઈન્ટરનેશનલ સ્કૂલ-લેહ પહાડોમાં વસતા ભરવાડ, ગરીબ મા-બાપના સંતોનોને સંસ્કાર સાથે  કે.જી.થી ૧૦ ધોરણ સુધીનું શિક્ષણ બૌદ્ધ ભિક્ષુઓ આપે છે. વિદેશી વિદ્યાર્થીઓ સહિત ૪૦૦૦  ઉપરાંત બાળકો હોસ્ટેલમાં રહે છે અને  અભ્યાસ કરે છે.

    મહેમાનો માટે ખાસ સ્વાગત સમારંભ યોજાયેલ. જેેમાં આચાર્ય શ્રી મહેશભાઇ જોષીએ SGVP ગુરુકુલની પાંચ શાખાની વિગતે માહિતી આપી હતી. SGVP ગુરુકુલની સર્વાંગી પ્રવૃત્તિ સાંભળીને સૌ કોઇ ખુશી થયા હતા.

સંસ્થાના સંચાલક બૌદ્ધ ભીક્ષુ શ્રી સંઘસેનાજીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, પૂ. માધવપ્રિયદાસજી સ્વામી સંતો સાથે લેહ લડાખ આવેલ ત્યારે જે સંસ્કાર અને સદગુણોનો સંદેશ આપેલ, તે અમને ખૂબજ ગમી ગયેલ.

   એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ અને મહાબોધિ રેસિડન્સી સ્કુલ વચ્ચે સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, અને તે અંતર્ગત બીજીવાર લેહ-લડાખથી ૩૦ વિદ્યાર્થિનીઓ SGVP ગુરુકુલ આવેલ.

    બૌદ્ધ ભીક્ષુ સંઘસેનાજીએ જણાવ્યું હતું કે અમે તો પાકિસ્તાન અને ચીનની બોર્ડર પાસે રહીએ છીએ છતાં અમને કોઇ ડર લાગતો નથી. કેમકે અમે ભારતને પ્રેમ કરીએ છીએ. દેશનું ગૌરવ અને ભારતીય પરંપરાનો વારસો અમને સર્વ પ્રકારે નિર્ભય રાખે છે અને હવે તો અમે ખરેખરા ભારતીય બની ગયા છીએ.

અંતમાં મહાબોધિ રેસિડન્સી સ્કુલના બાળકો દ્વારા લેહનું પ્રાદેશિક નૃત્ય તેમજ પ્રેરણાદાયક નાટક  રજુ કરેલ

કાર્યક્રમ બાદ સંસ્થાની હોસ્ટેલ, વૃદ્ધાશ્રમની અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

(12:20 pm IST)