Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વડિયામાં પતિ હરેશની પડોશી શૈલેષના હાથે હત્યા થતાં ઝેર પી લેનારી પત્નિ કોમલનું મોત

દેવીપૂજક પરિણીતાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ૨૨મીએ પડોશીના ઝઘડામાં વચ્ચે પડતાં તેણીના પતિની હત્યા થતાં પોતે ઝેર પી ગઇ'તીઃ બે સંતાન નોધારા થતાં અરેરાટી

રાજકોટ તા. ૨૬: અમરેલીના વડીયામાં ચાર દિવસ પહેલા દેવીપૂજક યુવાન હરેશની પડોશી શેલૈષે કુહાડી ઝીંકી હત્યા કરી નાંખી હતી. પતિ હરેશના વિયોગમાં પત્નિ કોમલે ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પિતા ગુમાવનારા બે માસુમ સંતાને હવે માતા પણ ગુમાવી છે.

વડીયા રહેતી કોમલ હરેશ વાઘેલા (ઉ.૨૫)ના પતિ હરેશ બાઘાભાઇ વાઘેલા (ઉ.૨૮) પર ગત ૨૨મીએ પડોશી શૈલેષ ગુલાબભાઇએ કુહાડીથી હુમલો કરી ઘા ઝીંકી દેતાં તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પડોશી શૈલેષ તેની માતા કુંભડીબેન સાથે ઝઘડો કરતો હોઇ હરેશ તેને સમજાવવા જતાં શૈલેષે ઉશ્કેરાઇ જઇ તેને કુહાડી ઝીંકી દીધી હતી.

પતિની હત્યા થયાની ખબર પડતાં કોમલે એ રાતે જ ઝેર પી લેતાં વડીયા હોસ્પિટલમાં સારવાર અપાવી જેતપુર અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ આજે વહેલી સવારે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ વડીયા પોલીસને જાણ કરી હતી.

આ બનાવથી ચાર દિવસ પહેલા પિતા ગુમાવનારા માસુમ ભાઇ-બહેને હવે માતા પણ ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:35 am IST)