Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

લાલપુરના મોડપરમાં અઢી ઇંચઃ પાલીતાણા પંથકમાં વિજળીએ યુવકનો ભોગ લીધો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસતો વરસાદ

રાજકોટ તા.૨૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મિશ્ર વાતાવરણ સાથે હળવો ભારે વરસાદ વરસી જાય છે ત્યારે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોડપરમાં ૨૪ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો જયારે પાલીતાણાના દેડરડા ગામે વિજળી પડતા યુવકનુ મોત થયુ છે.

છેલ્લા ૨૪ કલાકમાં માંગરોળમાં દોઢ,બગસરામા સવા ઇંચ, વંથલી ૧ ચિં, અમરેલી, લાઠી, લીલીયા, વેરાવળ, જામકંડોરણા,તળાજા, શિહોરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે ઉના ઉપલેટા, કોટડાસાંગાણી, ગોંડલ,જેતપુર,પોરબંદર,કુતિયાણા, માણાવદર, કેશોદ, વલ્લભીપુર, જેશર, ગારીયાધાર, ઉમરાળા, ધારીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૫ મહતમ, ૨૬ લઘુતમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહ્યુ છે. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં મોડપરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જયારે જોડિયાના બાલંભા અને જામજોધપુરમાં અડધો ઇંચ અને જામવાડીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગર જીલ્લાનાં પાલીતાણા પંથકમાં વીજળી પડતાં ૧૭ વર્ષીય યુવાનનું મોત નિપજ્યુ હતું.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં દેડરડા ગામે વીજળી પડતાં અતુલ સોલંકી નામના ૧૭ વર્ષના યુવાનનું બનાવ સ્થળે જ મોત નિપજ્યુ હતું. આ બનાવથી નાના એવા દેડરડા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

ગારીયાધાર

ગારીયાધારઃ પંથકમાં આજે બીજા દિવસે પણ બપોરના ૩ વાગ્યાના અરસામાં વરસાદી વાતાવરણ સજાર્યુ હતુ જે અડધા ઇંચ જેટલો વરસાદ વરસાવી ગયું હતું. જેમાં ગારીયાધાર શહેરમાં ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા હતા તો ગ્રામ્ય વિસ્તારના વેળાવદર, વિરડી, વોલા,મોટાચારોડિયા, સરંભડા સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી પડ્યો હતો.

(11:07 am IST)