Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ઉચ્ચ અભ્યાસ કરતા પુત્રો પિતાને દુકાનમાં મદદ કરે છે

પંચરની દુકાન ચલાવનારે બાળકોને સંસ્કાર-શિક્ષણ આપ્યા : પોતાના કામથી ખુશ હસમુખભાઈએ તેમના બીજા પુત્રને ડોક્ટર બનાવવા માટે મોટી શૈક્ષણિક લોન પણ લીધી છે

રાજકોટ, તા.૨૬ : સાવરકુંડલામાં પંચરની દુકાન ચલાવતા ૫૦ વર્ષીય હસમુખ ગોસ્વામીનો એક દીકરો ભારતીય નેવીમાં છે અને બીજો દીકરો ડોક્ટર બનવા માટે અભ્યાસ કરી રહ્યો છે. સાવરકુંડલામાં રહેતા હસમુખ ભાઈ બાળકોની ઉપલબ્ધિને કારણે ઘણાં ખુશ છે. હસમુખ ભાઈએ પોતાના બાળકોને શિક્ષણ તો આપ્યુ પરંતુ સાથે સાથે માનવતાના પાઠ અને સંસ્કારોનું પણ સીંચન કર્યું. હસમુખ ભાઈના દીકરા ભલે આગળ વધ્યા હોય, પરંતુ આજે પણ જ્યારે રજાઓમાં ઘરે આવે છે ત્યારે પિતાને પંચરની દુકાનમાં મદદ કરે છે.

હસમુખ ગોસ્વામી જણાવે છે કે, હું અભણ છુ, પંચરની દુકાન શરુ કરી તે પહેલા હું મજૂરી કામ કરતો હતો. પાછલા એક દશકથી હું દુકાન ચલાવુ છું.

શહેરમાં હસમુખ ગોસ્વામી ઘણાં લોકપ્રિય છે. હસમુખ ગોસ્વામીના પત્ની ત્રિકોણાએ પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે બાળકોના શિક્ષણમાં ઘણો રસ દાખવ્યો અને હસમુખ ભાઈને પણ પ્રોત્સાહિત કર્યા. બાળકોએ જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે શહેર છોડીને જવુ પડ્યું તો હસમુખ ભાઈએ સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લીધા. હસમુખ ભાઈ જણાવે છે કે, દીકરાઓને શિક્ષણ આપવા માટે મેં શક્ય હોય તેટલા તમામ પ્રયાસો કર્યા.

હસમુખ ગોસ્વામીના મોટા દીકરાએ સુરતની કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને મહિના પહેલા નેવીમાં જોડાયો. કેવલ ગોસ્વામી જણાવે છે કે, અમે બન્ને ભાઈ પણ દુકાનમાં કામ કરતા હતા. હું મહિના પહેલા નેવીમાં જોડાયો, પરંતુ જ્યારે પણ ઘરે આવુ છું ત્યારે તમે મને પિતાની દુકાનમાં જોશો. અત્યારે મારી પોસ્ટિંગ મુંબઈમાં છે. બન્ને ભાઈઓએ ૧૨મા ધોરણ સુધી સાવરકુંડલાની સરકારી શાળામાં અભ્યાસ કર્યો.

હસમુખ ગોસ્વામીનો નાનો દીકરો દર્શન વડોદરાની કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે. નાના દીકરાને ડોક્ટર બનાવવા માટે હસમુખ ગોસ્વામીએ એજ્યુકેશન લોન લીધી છે. મોટા દીકરાએ કમાવવાની શરુઆત કરી હોવા છતાં હસમુખ ભાઈએ પોતાની દુકાન બંધ નથી કરી. તે જણાવે છે કે, હું મારા કામથી ખુશ છું અને જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી કામ કરીશ.

(8:37 pm IST)