Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં થયેલ ખુની હુમલાના કેસમાં પકડાયેલ બે આરોપીઓને સાત વર્ષની સજા ફરમાવતી કોર્ટ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૬ : ત્રણ વર્ષ પુર્વે ભાવનગર શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપ સામે, ભાવના સોસાયટી, વિસ્તામાં ચાર શખ્સો સહિત એક સગીરે એક સંપ કરી રોડ ઉપર ચાલવાની નજીવી બાબતે બે શખ્સો ઉપર જીવલેણ હુમલો કરાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી મુખ્ય બે આરોપી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો સાબીત માની ૭ વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો . જયારે અન્ય બે શખ્સોને શંકાનો લાભ આપી છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તા. ૦૯/૧૨/૨૦૧૮ના રાત્રીના આ કામના ફરીયાદી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા (રહે. પ્લોટ નં . ૦૮, નરેશ્વર સોસાયટી, બેંક કોલોની પાછળ, ચીત્રા, ભાવનગર) તથા તેના મીત્ર જીગીતભાઈ ચૌહાણ બંન્ને અલગ અલગ મોટર સાયકલમાં વિઠ્ઠલવાડીમાં લગ્ન પ્રસંગ પુર્ણ કરી નારી ચોકડી તરફ નાસ્તો કરવા માટે જતા હતા આ દરમ્યાન આરોપીઓ ( ૧ ) યોગેશભાઇ ઉર્ફે જગીરો પોપટભાઈ વેગડ (ઉ.વ .૨૨) (૨) મીલનભાઈ ભાવેશભાઈ મકવાણા ( ઉ.વ .૧૯ ) (૩) જયદિપભાઇ ઉર્ફે કાનો ભરતભાઈ પરમાર (ઉ.વ .૨૨) (૪) રવિભાઇ ઉર્ફ ડોડો રણછોડભાઈ પરમાર (ઉ.વ .૨૦) (રહે. તમામ ભાવના સોસાયટી, એસ.ટી.વર્કશોપ સામે, ભાવનગર ) વાળાઓએ એસ.ટી. વર્કશોપ સામેની બાજુ ભાવના સોસાયટી જવાના નાકે એક સંપ થઈ ફરીયાદી તથા સાહેદ જિગીતભાઈના મોટર સાયકલ ઉભા રખાવી આ રોડ અમારો છે અહીથી નિકળવાનું નહીં અમે અહીના ડોન છીએ તેમ કહી ગાળો આપી, ગેરકાયદેસર મંડળી રચી, હથીયારો ધારણ કરી, આરોપી નં . ( ૧ ) યોગેશે ઉશ્કેરાઈ જઈ તેના હાથમાની તલવાર વડે એક ઘા સાહેદ જીગીતભાઈના છાતીના ભાગે તેમજ એક ઘા પેટમાં મારી તેમજ ફરીયાદી દિવ્યરાજસિંહ વચ્ચે પડતા અન્ય ત્રણ આરોપી નં . ૩,૪,૫ એ પકડી ઢીકા પાટુનો માર મારી તેમજ આરોપી નં. ૨ મિલને તેના પડખા માંથી છરી કાઢી ફરીયાદીને ડાબા હાથના ખભા પાસે ઘા કરી તેમજ આરોપી નં . ૩,૪ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે ધોકાઓ વડે સાહેદના મોટર સાયકલ નં. જી.જે.૪.બી.કે .૧૪૧૫ ને નુકશાન કરી હવે પછી આ રોડે ફરીથી નિકળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી.

આ બનાવ અંગે જે તે સમયે ફરીયાદી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા એ સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં ઉકત આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, જીપીએકટ ૧૩ પ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આ કામના મુખ્ય આરોપી આરોપી (૧) યોગેશભાઇ ઉર્ફે જગીરો પોપટભાઈ વેગડ (૨) મીલનભાઈ ભાવેશભાઈ મકવાણા સામે ઈપીકો કલમ ૩૨૬ મુજબના સીક્ષાપાત્ર ગુનાના કામે તકસીરવાન ઠરાવી આરોપીને ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૧૫ હજારનો દંડ, ઇપીકો કલમ ૩૨૪ મુજબના ગુના સબબ બંન્ને આરોપીઓને ૩ વર્ષની સજા અને રોકડા રૂ. પાંચ હજારનો દંડ, ઇપીકો કલમ ૩૨૩ ના ગુના સબબ બંન્ને આરોપીઓને એક વર્ષની કેદની સજા અને રોકડા રૂ. એક હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. જયારે અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયા હતા. જયારે સગીરની સામે કેસ ચાલવાનો બાકી હોવાનું જાણવા મળેલ છે.

(11:46 am IST)