Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

હળવદના કડીયાણા નજીક નર્મદા કેનાલમાં ગાબડુ : મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેતરો પાણી-પાણી

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨૬ : તાલુકાના કડીયાણા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે અને પાણી ભરાવવાને કારણે ખેડૂતના કપાસના પાક ઉપર ખતરો ઉભો થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા યોજના હેઠળ મોરબી બ્રાન્ચ કેનાલ કે જે હળવદના કડીયાણા નજીકથી પસાર થાય છે તેમા ગાબડું પડતા કેનાલના પાણી બચુભાઈ કોળી અને અન્ય એક ખેડૂતના ઉભા કપાસના પાકમાં ફરી વળ્યાં હતા. નર્મદા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ભરાવાને કારણે કપાસનો ઉભો પાક બળી જાય તેવી દહેશત સેવાઇ રહી છે વરસાદી પાણીના નિકાલના અભાવે દર ચોમાસે કેનાલમાં ગાબડાં પડતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેનાલ વિભાગના કર્મચારીઓની લાપરવાહીને કારણે હાલમાં માળીયાના છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી તેવા સમયે જ કેનાલમાં ગાબડા પડતા અમૂલ્ય જળ જથ્થો વેડફાઈ જવા પામ્યો હતો.

(11:35 am IST)