Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

મોરબી - માળીયા વિધાનસભા બેઠકના એક સમયના ભાજપના પ્રબળ દાવેદાર કાંતિલાલ અમૃતિયાને જ સહ ઇન્ચાર્જની જવાબદારી સોંપાઈ !

મોરબી : મોરબી માળિયા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં એક સમયના પ્રબળ દાવેદાર મનાતા કાંતિલાલ અમૃતિયાને જ આ બેઠકના સહઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ચૂંટણીનાં ઇન્ચાર્જ તરીકેની મહત્વની જવાબદારી સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાને સોંપી છે.

મોરબી-માળીયા(મી) વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારી પ્રદેશ ઉપપ્રમુખ આઇ.કે.જાડેજા તેમજ કેબિનેટ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને સોંપવામાં આવી છે. તેઓએ સંગઠનની ચોથી મીટિંગમાં પેટા ચૂંટણીનાં ઇન્ચાર્જ તરીકેની મહત્વની જવાબદારી સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાને સોંપી છે. જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા અને પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને નીમવામાં આવ્યા છે.

પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું નામ જ્યારે જાહેર થયું ન હતું. ત્યારે બ્રિજેશ મેરજાની સાથે કાંતિલાલ અમૃતિયા પણ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. ત્યારે હવે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત બાદ કાંતિલાલને જ ચૂંટણીના સહ ઇન્ચાર્જની જવાબદારી આપી ભાજપ દ્વારા ઘીના ઠામમાં ઘી પડી ગયાનો સંકેત આપ્યો છે.

(2:23 pm IST)