Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ભુજમાં એરપોર્ટ રોડ પર આવેલ ડિમાર્ટમાં પ્રતિષ્ઠીત કસ્ટમર સાથે ગેરવર્તાવ થતા બબાલ : પોલીસ દોડી

મેનેજર દ્વારા તેમની સાથે દાદાગીરી કરાઈ હોવાના આક્ષેપો: સિક્યોરિટી ગાર્ડને બોલાવી તેમના પર હુમલો કરવાની પેરવી

ભુજ : શહેરના એરપોર્ટ રોડ પર આવેલા ડીમાર્ટમાં ભુજના પ્રતિષ્ઠીત કસ્ટમર સાથે ગેરવર્તાવ કરવામાં આવતાં બબાલ થઈ હતી, જે તે પગલે ભુજ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી અને બ્રહ્મ સમાજના પ્રમુખ જયપ્રકાશ ગોર ડીમાર્ટમાં ખરીદી માટે ગયા હતા. તેઓ પોણા કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા અને જયારે તેમનો નંબર આવ્યો ત્યારે સાઈડમાં ઉભા રાખી દેવાયા હતા. દરમિયાન તેમણે નંબર આવી ગયો હોવા છતાં ઉભા રાખી દેવાતા વિરોધ નોંધાવ્યો હતો. અને ડીમાર્ટના કહેવાતા મેનેજર દ્વારા તેમની સાથે દાદાગીરી કરાઈ હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા. બાદમાં બોલાચાલી થતાં સિક્યોરિટી ગાર્ડને બોલાવી તેમના પર હુમલો કરવાની પેરવી કરાઈ હોવાનું જે.પી. ગોરે કહ્યું હતું. બનાવને પગલે તેમણે ભુજ શહેર એ ડિવિઝનમાં ફોન કરતા પોલીસની ટીમે આવીને મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન તેમણે એવા પણ આક્ષેપો કર્યા હતા કે, ડીમાર્ટની અંદર પણ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવે છે. ૩૦૦થી ૪૦૦ કસ્ટમરો ભરાયેલા હોવાનું તેમણે કહ્યું હતું. કેટલાક કર્મચારીઓએ માસ્ક પણ પહેર્યા ન હોવાનું તેમણે કહ્યું હતું. આ અંગે જયારે ડીમાર્ટના મેનેજરને સ્પષ્ટતા લેવા પ્રયાસ કર્યો ત્યારે તેમણે મૌન સાંધી લીધું હતું.

(10:01 pm IST)