Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ભચાઉમાં ડમ્પર ફરી વળતાં બે ના મોત: મીઠાના અગરમાં ડમ્પર રિવર્સ લેતાં ઊંઘમાં જ બે શ્રમિકો કચડાયા

ભુજ : ભચાઉ તાલુકાના ચોપડવા નજીક મીઠાના અગરમાં સૂતેલા બે જણ ઉપર ડમ્પર ફરી વળતા બન્નેના મોત નીપજ્યા હતા. અરેરાટીભર્યા આ અકસ્માતમાં ઊંઘમાં જ બન્ને શ્રમિકોની આંખો કાયમ માટે મીંચાઈ જતાં શ્રમિક પરિવારોમાં અરેરાટી છવાઈ ગઇ છે. શ્રીરામ સોલ્ટ કંપનીમાં હિટાચી મશીનમાં ડ્રાઈવર તરીકે કામ કરતાં મૂળ એમપી ગોપાલ રામમણી યાદવે ભચાઉ અકસ્માત સર્જનાર ડમ્પરચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર ફરિયાદીના પિતરાઈ ભાઈ બાજબહાદુર યાદવ અને ઓડિસાના નરેન્દ્ર રામાસીંગ હિટાચી મશીનમાં ઓપરેટર અને હેલ્પર તરીકે સાથે કામ કરતા હતા. ત્રણેક દિવસથી હેલ્પર નરેન્દ્રને મળવા તેના વતનથી ભીમા ખુપા મરંડી નામનો તેનો મિત્ર આવ્યો હતો. મોડી રાત સુધી શ્રીરામ સોલ્ટની બીજી સાઈટ ગુજરાત સોલ્ટમાંથી મીઠું ભર્યા બાદ ફરિયાદીનો પિતરાઈ ભાઈ  બાજબહાદુર યાદવ અને વતનથી આવેલો ભીમા મરંડી બન્ને મીઠાના અગરમાં જ સાઈટ ઉપર સૂઈ ગયાં હતા. રાત્રિ દરમ્યાન ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી રીવર્સમાં લેતાં ડમ્પર નીચે બંને યુવકો કચડાઈને સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા. બન્ને હતભાગી મૃતકોના મૃતદેહોને પોલીસે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(9:38 pm IST)