Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કોરોનામાં ઑક્સીજનના અભાવે કોઈને મરવા ન દીધા અન્ય રાજ્યમાં એક જ હોસ્પિટલમાં 40થી 50 દર્દીના મોત થયા :વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી ગીર-સોમનાથની મુલાકાતે :સોમનાથ મહાદેવના દર્શન કર્યા :સોમનાથના રામ મંદિર ઓડિટોરિયનું લોકાર્પણ કર્યું :અનેક કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ : વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ

સોમનાથ ખાતે સંબોધનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારની કોરોનામાં કામગીરી અંગે પણ વાત કરી હતી  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગીર-સોમનાથની મુલાકાતે છે. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે સોમનાથના રામ મંદિર ઓડિટોરિયનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે અનેક કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપશે.  વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું પણ લોકાર્પણ કરાશે. આ સાથે ન.પાના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.

 સોમનાથ ખાતે સંબોધનમાં મુખ્યમંત્રીએ સરકારની કોરોનામાં કામગીરી અંગે પણ વાત કરી હતી. જેમાં કહ્યું કે, બીજી લહેરમાં ભારતભરમાં કોરોના કેસની સંખ્યા વધ્યા હતા. આ સમયે ગુજરાત સરકારે સવા મહિનામાં જ 90 હજાર ઑક્સીજન બેડ ઊભા કર્યા હતા.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે હું દાવા સાથે કહીશ કે અન્ય રાજ્યોમાં ઑક્સીજનના અભાવે ઘણી બધી હોસ્પિટલમાં એક સાથે 40-50 દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે ગુજરાતમાં ઑક્સીજન અટકી ગયો અને માણસ મૃત્યુ પામ્યો એવું થવા દીધું નથી. બીજી લહેરનો કાળ ખૂબ વિકરાળ હતો. પરંતુ જે કામગીરી કરી તેના કારણે ગુજરાતને સલામત રીતે બહાર કાઢી શક્યા છીએ. કોરોના વચ્ચે વાવાઝોડું પણ આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો કે, તૌકતે ઈતિહાસનું સૌથી ભયંકર વાવાઝોડું હતું. અને તેના કારણે થયેલી તબાહી પછી સરકારે તાબડતોબ પેકેજની જાહેરાત કરી હતી. ખેડૂતોથી લઈને માછીમારો માટે પેકેજ આપ્યું છે. અગાઉ વાવાઝોડા બાદ માછીમારોને એક રૂપિયો મળતો ન હતો. આ વખતે પહેલી વખત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સોમનાથ દાદા અને દ્વારકામાં કાળિયા ઠાકોરને કારણે આ વિસ્તારો વાવાઝોડાથી બચી ગયા અને વાવાઝોડું ઊના-જાફરાબાદ તરફ ફંટાઈ ગયું હતું.

(8:12 pm IST)