Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ઉનાઃ લૂંટેરી દુલ્હન ગેંગના ઝડપાયેલા ૯ સભ્યોને ૬ દિ'ની રિમાન્ડ

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૬ :. તાલુકાના નાળીયેરી મોલી ગામે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર લૂંટેરી દુલ્હનની ૯ સભ્યોની ગેંગને પોલીસે ૬ દિવસ રીમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

નાળીયેરી મોલી ગામે રહેતા હિતેષભાઈ રમેશભાઈ રાખોલીયા (ઉ.વ. ૩૭)ની સાથે લગ્ન કરવાની જાળ બીછાવી ૬૧ હજાર રૂપિયા ખરીદીના બહાને લઈ અને રૂ. ૨ લાખના સોનાના દાગીના બનાવી દેવાની શરત કરી લૂંટવાનું ષડયંત્ર કરનારા વિનોદભાઈ ઉર્ફે વિક્રમભાઈ રણછોડભાઈ રાઠોડ, ક્રિષ્નાબેન ઉર્ફે ગીતાંજલી વિનોદભાઈ રાઠોડ રે. કાકેડી મોલી તા. ઉના, અન્જુમ ઉર્ફે સપના નાઝીરહુસેન હાસમભાઈ સોલંકી રે. જામનગર, સારાબાઈ ઉર્ફે સાયરા ઉર્ફે કાશીબેન હનીફભાઈ અલાર રે. લોધીકા, ભાવનાબેન ઉર્ફે કાજલબેન રાજેશભાઈ છગનભાઈ ગડા રે. જૂનાગઢ, ગોવિંદભાઈ હીરાભાઈ વ્યાસ રે. રાજકોટ, અશ્વિનભાઈ ધરમશીભાઈ લમબોડીયા રે. નાગડકા, તા. સાયલા, વિશાલ બેચરભાઈ સરવૈયા રે. બોટાદ, ગોવિંદભાઈ ધરમશીભાઈ લમડીયા રે. નાગડકા તા. સાયલાને પોલીસે રંગે હાથ પકડી પાડેલ છે.

પી.એસ.આઈ. જીલુભાઈ વી. ચુડાસમાએ તમામ આરોપીઓને ઉના કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા ઉના કોર્ટે તા. ૩૦ જૂન એટલે ૬ દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે. આરોપીઓએ ખોટા નામની ઓળખાણ આપેલ હોય તેથી બીજા કોઈ આ ટોળકીનો ભોગ બનેલ હોય તો ઉના પોલીસનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(10:38 am IST)