Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આવતા મહિને વાડીનાર મુન્દ્રા વચ્ચે રો રો ફેરી સર્વિસ થશે ચાલુ, ગાંધીધામમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવાશે:કંડલા પોર્ટની બોર્ડ બેઠક માં ૩૫ જેટલા એજન્ડાને બહાલી, કોરોનામાં મૃત્યુ પામનાર કર્મચારીઓને ૫૦ લાખ રૂ. અપાશે

(વિનોદ ગાલા દ્વારા) : ભુજ) દેશના મહાબંદર દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં ૩૫ જેટલા મહત્વના નિર્ણયોને બહાલી અપાઈ છે. આ બેઠકમાં કરાયેલ નિર્ણય અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે આવતા મહિનાથી સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે દરિયાઈ જળમાર્ગ શરૂ થઈ જશે. અદાણી પોર્ટ મુન્દ્રા દ્વારા કરાયેલી દરખાસ્ત અનુસાર મુન્દ્રા વાડીનાર વચ્ચે આવતા મહિનાથી રો રો ફેરી સર્વિસ શરૂ કરવા માટે મંજૂરી અપાઈ છે. તો, કોરોનામાં મૃત્યુ પામનારા પ્રત્યેક કર્મચારી રૂ. ૫૦ લાખ રૂપિયા આપવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત મૃત્યુ પામનારા ૨૭ કર્મચારીઓના પરિવારને આ રકમ ચૂકવાશે. પોર્ટ દ્વારા અત્યારે ચાલુ છે, એ ગોપાલપુરી હોસ્પિટલમાં નવો ઓકસીજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે. બાળકો માટે નવા ૧૦ આઈસીયુ બેડ ઊભા કરાશે. આ ઉપરાંત નવી ૧૦૦ બેડની મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલનું નિર્માણ કરવાનું નક્કી કરાયું છે. તો, ૮ ધોરણ સુધીની સીબીએસી બોર્ડની નવી શાળા પણ શરૂ કરાશે. બંદર ઉપર ઈ-દ્રષ્ટિ આરએફઆઈડી પદ્ધતિની અદ્યતન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. લેબર ટ્રસ્ટી દ્વારા રજૂ કરાયેલા વાંધાઓને અનુલક્ષીને આવા નિર્ણયો માટે એક સમિતિ નું ગઠન કરી સંગઠન સાથે વાટાઘાટ કર્યા બાદ ફરી નિર્ણયો લેવાનું નક્કી કરાયું છે.

(9:37 am IST)