Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

જામનગરના ધુતારપુર અને ચિત્તલમાં ૧ ઇંચ વરસાદ

સાર્વત્રિક વરસાદની લોકો રાહ જોવે છે, પરંતુ વરસે છે માત્ર કોઇ-કોઇ જગ્યાએ હળવો-ભારે વરસાદ

રાજકોટ, તા. ર૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે.

જો કે સાર્વત્રિક વરસાદની લોકો રાહ જોઇ રહ્યા છે, પરંતુ કોઇ-કોઇ જગ્યાએ માત્ર હળવો -ભારે વરસાદ વરસી જાય છે.

ગઇકાલે જામનગરના ધુતારપુરમાં ૧ અને અમરેલીના ચિત્તલમાં પણ ૧ ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩પ મહત્તમ, ર૬.પ લુઘતમ, ૮૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કાલાવડમાં ર મીમી વરસ્યો હતો.

જયારે જામનગર જીલ્લાના ધુતારપુરમાં એક ઇંચ તથા વસઇ, અલીયાબાડા , ભ. ભેરાજામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

સોરઠ પંથકમાં મેઘરાજા મનમૂકીને મહેર કરી રહ્યા છે ત્યારે ગુરૂવારે પણ સોરઠ પંથકમાં એકથી બે ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. જૂનાગઢ જિલ્લામાં આજે ભેંસાણમાં ૧ ઇંચ વરસાદ થયો હતો. જયારે અમરેલી જિલ્લાના દામનગરમાં ૧ ઇંચ, ધરાઇમાં ર ઇંચ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતાં તેમજ બાબરામાં અડધો ઇંચ અને ચલાલા તેમજ લાઠીમાં ઝાપટા પડયા હતા.  રાજકોટ જિલ્લાના જેતપુરમાં કાલે સવારથી છવાયેલા મેઘાડંબર બાદ સમી સાંજે જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી વહેતા થયા હતાં અને માહોલ ઠંડો બની ગયો હતો. જયારે જામનગર જિલ્લાના એક માત્ર કાલાવડમાં બે મી.મી. વરસાદ સાથે ગુરૂવારે મેઘાએ માત્ર હાજરી જ પૂરાવી હતી.

જામકંડોરણા

જામકંડોરણાઃ કાલે સાંજના પોણા ત્રણ વાગ્યાથી પોણાચાર વાગ્યા સુધીમાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૧ર૭ મી.મી. થયેલ છે.

ભાવનગર

ભાવનગરઃ કાલે બપોરે બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકયો હતો. શહેરમાં સર્વત્ર ટાઢક પ્રસરી હતી.

ભાવનગરમાં સવારથી જ વાતાવરણ ગોરંભાયું છે. ભારે ઉકાળાટ વચ્ચે બપોરના સમયે વરસાદ પડયો હતો અને અડધા કલાક સુધી પવન સાથે વરસાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૧ર દિવસના વિરામ બાદ ગઢડામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

(1:20 pm IST)