Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

મોરબીના વૃધ્ધને કોરોના : ચરાડવાની બજારો બપોર સુધી જ ખુલશે

હળવદના ચરાડવામાં ૪ મકાનોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ : પોઝીટીવ દર્દી જ્યાં બેસતા તે બાજુની શેરીના મકાનને પણ કવોરન્ટાઇન કરાયુ

હળવદ - મોરબી તા. ૨૬ : મોરબી જિલ્લામાં ગઇકાલે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આજે સવારે ચરાડવાના આધેડના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકોટ સિવિલમાં દાખલ મોરબીના વૃધ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૬ ઉપર પહોંચી ગઈ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા આમદભાઈ જુમાભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ઘના આજે સવારે સેમ્પલ લેવાયા બાદ તેમનો સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મોરબી શહેરમાં ફરીથી કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રીથી લોકોના ફફડાટ ફેલાયો છે.

જયારે કોરોનાથી સંક્રમિત થયેલા મહેન્દ્રપરાના વૃદ્ઘની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હાલ માલુમ પડેલ નથી. અને તેમને સાથે શ્વાસની પણ બીમારી અગાઉથી છે. હાલ આ વૃધ્ધ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જ દાખલ છે. અને હાલ મોરબી આરોગ્ય વિભાગ સહિતના તંત્ર દ્વારા પોઝિટિવ કેસ નોંધાયા બાદ મહેન્દ્રપરામાં આગળની તકેદારીની કામગીરી શરૂ કરી છે.

ચરાડવા ગામમાં કોરોનાનો એક કેસ પોઝીટીવ આવેલ છે જેથી ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા ગામની માર્કેટોને સવારના સાતથી બપોરને બે વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચરાડવા ગામના રહેવાસી કનુભાઇ ભાણાભાઇ હળવદીયાને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ગામ લોકોની સુરક્ષા હેતુસર ચરાડવા ગ્રામ પંચાયત દ્રારા તમામ પ્રકારની દુકાનો, કેબીનો, શાકભાજી માર્કેટ તથા ખાણી પીણીની માર્કેટ તા ૨૫/૦૬ થી ૦૩/૦૭ સુધી સવારે ૭.૦૦ વાગ્યાથી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું નક્કી કરેલ છે. જેમા ગામના તમામ લોકો દ્વારા સહકાર આપવામાં આવે તેવી ગામના તલાટી – કમ – મંત્રી અને ચરાડવા ગામના સરપંચ પ્રવિણભાઇ સોનાગ્રા દ્વારા અપીલ કરવામાં આવી છે.

તાલુકાના ચરાડવા ગામ ના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રે ચરાડવા ગામે દોડી જઈને તકેદારીના પગલાં લીધા હતા. કોરોના પોઝિટિવ દર્દીની શેરીના ચાર મકાનોનો કન્ટેન્ટમેન્ટમાં સમાવેશ કર્યો છે અને આ વિસ્તારના ૨૪ લોકોને હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ કોરોનાના પોઝિટિવ દર્દી જયાં ઉઠતા બેસતા હતા તે બાજુની શેરીના મકાનને પણ કવોરન્ટાઇન કરાયું છે.

હળવદ તાલુકા ના ચરાડવા ગામના કનુભાઈ ભાણાભાઈ હળવદીયા (ઉ.૫૪)ને શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયા બાદ જયાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. જેનો ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ચરાડવાના કોરોનાથી સંક્રમિત થયેલા આધેડની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તેઓ અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. હાલ તો કનુભાઈ રાજકોટ સિવિલમાં દાખલ છે. અને તેમની તબિયત સ્ટેબલ છે. મોરબી આરોગ્ય વિભાગ સહિત તંત્રએ ચરાડવા ખાતે તેમના ઘરે પહોંચી જરૂરી તકેદારી અને કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોરોના પોઝિટિવ દર્દીની શેરીના ચાર મકાનોનો કન્ટેન્ટમેન્ટમાં સમાવેશ કર્યો છે અને આ વિસ્તારના ૨૪ લોકોને હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ કોરોનાના પોઝિટિવ દર્દી જયાં ઉઠતા બેસતા હતા તે બાજુની શેરીના મકાનને પણ કવોરન્ટાઇન કરાયું છે.

(11:19 am IST)